
વાત્સલ્યમ્ સમાચાર .
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા૨૭ મે : જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, ભુજ રૂમ નં. ૧૧૪, બહુમાળી ભવન, ભુજ ૩૭૦૦૦૧ ખાતે કાર્યરત છે. આ કચેરીની મૂળભૂત કામગીરીમાં જિલ્લામાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો અને તેઓના પરિવારને કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, અને રાજ્ય સૈનિક બોર્ડની વિવિધ કલ્યાણકારી અને પુનર્વસવાટની યોજનાઓની માહિતી આપવી, અમલીકરણ કરવું તથા સેનાના નિવૃત થઈ આવતા જવાનોને પૂર્વ સૈનિક તરીકેની અને સ્વ.સૈનિકોના ધર્મપત્નીઓને ઓળખપત્ર આપવાની કામગીરી અને વિવિધ કલ્યાણકારી યોજનાઓ માહિતી અને પેન્શનને લગતા વિવિધ પ્રશ્નોનાં નિરાકરણ બાબેત યોગ્ય કાર્યવાહી કરવી તે છે. કચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ઘણો વિશાળ જિલ્લો છે અને અહી વસતા પૂર્વ સૈનિક સમુદાયનાં સૈનિકો અને પરિવારો છુટા છવાયા અને દુર દરાજ વિસ્તારો માં રહેતા હોય છે આવવા જવાનું અંતર, ભૌગોલિક પરિસ્થીતી અને અન્ય સામાજિક કારણોસર જિલ્લા સૈનિક કલ્યાણ કચેરીની મુલાકાત લઈ સરકારની કલ્યાણ યોજનાઓ વિશે જાણકારી મેળવવી તેઓ માટે કઠિન કામ હોય છે પૂર્વ સૈનિક સમુદાયોની આવી વિષમ પરિસ્થિતિઓ જિલ્લા સૈનિક કલ્યાણ કચેરીની ધ્યાને આવતા અધિકારીશ્રી હિરેન લીમ્બાચીયાએ આર્મી સ્ટેશન હેડ ક્વાટર્સ ભુજનાં વરિષ્ઠ અધિકારીઓ સાથે સંકલન સાધી આર્મી સ્ટેશનનાં, સી એસ ડી કેન્ટીન પરિસરમાં પૂર્વ સૈનિક સમુદાયો માટે તા ૨૦ મે ૨૦૨૬નાં રોજ વેલફેર અવેરનેસ કેમ્પ નું આયોજન ધરેલ હતું. આ વેલફેર અવેરનેસ કેમ્પમાં કચેરીના સ્ટાફ દ્વારા કેન્દ્રિય સૈનિક બોર્ડ, રાજ્ય સૈનિક બોર્ડ, અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ તથા રાજ્ય સરકારની ડીજીટલ પહેલને અનુસરેલ રાજ્ય સૈનિક બોર્ડની વેબ સાઈટ, અને હાલમાં જ સુપ્રિમ કોર્ટના દિશા નિર્દેશો થી સૈનિક સમુદાયો માટે અમલીકરણ કરેલ યોજના વીર પરિવાર સહાયતા યોજનાની જાણકારી આપવામાં આવેલ હતી અને સ્થળ ઉપર જ તેઓના પ્રશ્નોને વાચા આપી તેના નિરાકરણ અર્થે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા સૈનિક કલ્યાણ કચેરીની આ પહેલને હાજર સૈનિક સમુદાયો દ્વારા અદ્ભુત પ્રતિસાદ મળેલ હતો અને કચેરી દ્વારા થતા આવા કાર્યક્રમો માટે આભારની લાગણી પ્રગટ કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્ટેશન કેન્ટીન દ્વારા જરૂરી વ્યવસ્થા સ્થળ પર ઉપલબ્ધ કરાવેલ હતી અને કચેરીના સ્ટાફ, બિસ્મીલાખાન પઠાણ, ભાવિશાબેન અજુડીયા, જયાસિંહ જોહન, જ્યોતિ દરબારસિંહ, અને રીન્કુ બેન દ્વારા જરૂરી વ્યવસ્થા સંભાળવામાં આવેલ હતી.





