કાલોલ તાલુકાના એરાલથી ગેંગડીયા ચોકડી નજીક ટ્રક પલટી જતાં ટ્રકમાં સવાર 35 વર્ષીય યુવાનનું સારવાર દરમિયાન મોત.

તારીખ ૨૮/૦૫/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના એરાલથી ગેંગડીયા ચોકડી રોડ પર પાણીયા પાટીયા પાસે ટ્રક પલટી ખાતા ટ્રકમાં સવાર એક 35 વર્ષીય યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પત્નીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ મુજબ નાંદરખા નાની મુવાડી ફળિયામાં રહેતા હિનાબેન રાજુભાઈ પટેલ ઉ.વ.૪૦ એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તારીખ ૧૯/૦૫/૨૦૨૬ ના રોજ સવારે સવા નવ વાગ્યાના અરસામાં તેમના પતિ રાજુભાઈ શાંતીલાલ પટેલ ઉ.વ. ૩૫ ઈંટો ભરેલી ટ્રક નંબર GJ-02-Y-5846 માં બેસીને જઈ રહ્યા હતા તે દરમિયાન એરાલથી ગેંગડીયા ચોકડી રોડ પર પાણીયા પાટીયા પાસેના વળાંકમાં આરોપી ટ્રક ચાલકે પોતાના કબ્જાની ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારતા ટ્રક પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ટ્રકમાં બેઠેલા રાજુભાઈ પટેલને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.આ બનાવ અંગે વેજલપુર પોલીસે આરોપી ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.








