શેખપુર ગામની નવી કોલોનીમાં પાણી અને વીજળીનો વ્યાપક બગાડ તંત્રની ઘોર બેદરકારી સામે રોષ

શેખપુર:-એક તરફ સરકાર દ્વારા ‘જળ એ જ જીવન’ અને ‘ઊર્જા બચાવો’ ના નારા આપવામાં આવે છે, ત્યારે બીજી તરફ શેખપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી નવી કોલોનીમાં તદ્દન વિપરીત ચિત્ર જોવા મળી રહ્યું છે. અહીં સ્થાનિક રહીશો ને મહામુસીબતે થી પાણી મેળવી રહ્યા છે, જ્યારે બીજી તરફ પંચાયતની ઘોર બેદરકારીના કારણે પાણી અને વીજળી બંનેનો બેફામ બગાડ થઈ રહ્યો હોવાની ગંભીર ફરિયાદ ઉઠી છે.
લીકેજ કનેક્શન અને વીજળીનો ધુમાડો
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, નવી કોલોની વિસ્તારમાં પાણીનો ટાંકો ભરવા માટે જે કનેક્શન રાખવામાં આવ્યું છે તે યોગ્ય રીતે ફિટ કરવામાં આવ્યું નથી. આ લીકેજ કનેક્શનના કારણે પાણીનો તો વ્યાપક બગાડ થાય જ છે, પરંતુ સાથે-સાથે મોટરને વધુ સમય ચાલુ રાખવી પડે છે.
જ્યાં માત્ર ૨ યુનિટ વીજળીના વપરાશમાં કામ થઈ શકતું હોય, ત્યાં આ લાપરવાહીના કારણે ૪ યુનિટ જેટલો મોટો વીજ વપરાશ થઈ રહ્યો છે. આમ, લાઈટ બિલના નામે સરકારી નાણાંનો ખુલ્લેઆમ દુરુપયોગ થઈ રહ્યો છે.
વિકાસના નામે ગ્રાન્ટના પૈસા પાણીમાં વેડફાયા
ગામના જાગૃત નાગરિકોનો આક્ષેપ છે કે એક તરફ શેખપુર ગામ પ્રગતિ કરતું હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. પંચાયતને મળતી સરકારી ગ્રાન્ટના પૈસા આવા નબળા અને બેદરકારીભર્યા કામો પાછળ પાણીમાં વેડફાઈ રહ્યા છે. યોગ્ય આયોજનના અભાવે જનતાના ટેક્સના પૈસાનો આ રીતે વ્યય થઈ રહ્યો છે તે કેટલા અંશે યોગ્ય?
મુખ્ય પ્રશ્નો અને સ્થાનિકોની માંગ:
પાણીની અછત: સામાન્ય જનતા પાણી માટે વલખાં મારી રહી છે, તો લીકેજ બંધ કેમ કરવામાં આવતું નથી?
આર્થિક નુકસાન: વીજળીનું બિલ બમણું કરીને કોના ખિસ્સા ખાલી કરવામાં આવી રહ્યા છે?
તપાસની માંગ: ગ્રામ પંચાયત આ બાબતે આંખ આડા કાન કેમ કરી રહી છે?
સ્થાનિક રહીશો માંગ કરી રહ્યા છે કે આ લીકેજ કનેક્શન તાત્કાલિક સરખું કરવામાં આવે, પાણી અને વીજળીનો બગાડ અટકાવવામાં આવે અને આ સમગ્ર મામલે જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે. જો વહેલી તકે આ સમસ્યાનું નિવારણ નહીં આવે તો આગામી દિવસોમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ચીમકી પણ ઉચ્ચારેલી છે.
રિપોર્ટર કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત







