કાલોલ નગરમાં ખુલ્લી ગટરો બની જીવલેણ:પોસ્ટ ઓફિસ પાસે બાઈક ચાલક ગટરમાં ખાબકતા ઈજાગ્રસ્ત.

તારીખ ૦૩/૦૬/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરમાં નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી ફરી એકવાર સપાટી પર આવી છે. નગરના માર્ગો પર આવેલી ખુલ્લી અને બિસ્માર ગટરો વાહનચાલકો અને રાહદારીઓ માટે જીવનું જોખમ બની રહી છે, જેમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવતાં સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, કાલોલ નગરમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસ નજીકથી પસાર થઈ રહેલા એક મોટરસાયકલ ચાલક અચાનક રોડ પર આવેલી ખુલ્લી અને તૂટેલી ગટરની જાળીના કારણે અકસ્માતનો ભોગ બન્યા હતા. બાઈકનું સંતુલન બગડતાં ચાલક સીધો ગટરમાં ખાબક્યો હતો. આ ભયાનક અકસ્માતમાં યુવકના પગના ભાગે ઈજાઓ પહોંચી હતી. અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો.સ્થાનિક રહિશોના જણાવ્યા અનુસાર, માત્ર પોસ્ટ ઓફિસ નજીક જ નહીં, પરંતુ નગરના અસંખ્ય વિસ્તારોમાં ગટરની જાળીઓ કાં તો તૂટી ગઈ છે અથવા તો ગટરો ખુલ્લી હાલતમાં મોં ફાડીને ઊભી છે. રાત્રિના સમયે અંધારામાં આ ખુલ્લી ગટરો દેખાતી ન હોવાથી અહીંથી પસાર થતા વાહનચાલકો અને નિર્દોષ રાહદારીઓ સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. અગાઉ પણ આ સ્થળે આવા નાના-મોટા અકસ્માતો સર્જાયા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.ઈજાગ્રસ્ત અલ્પેશભાઈ નામના યુવકે ચીફ ઓફિસર નો સંપર્ક કરતા ગટર ની જાળી વેલ્ડિંગ કરાવી દઉ છુ તેમ જણાવ્યું છે.આ ઘટનાને પગલે કાલોલના જાગૃત નાગરિકોમાં નગરપાલિકા પ્રશાસન વિરુદ્ધ ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો તંત્ર દ્વારા આ તૂટેલી જાળીઓ અને ખુલ્લી ગટરોનું તાત્કાલિક સમારકામ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં કોઈ મોટો અને જીવલેણ અકસ્માત સર્જાઈ શકે છે. નગરપાલિકા તંત્ર કોઈ નિર્દોષનો જીવ જાય તેની રાહ જોયા વગર વહેલી તકે કામગીરી શરૂ કરે તેવી લોક માંગ ઉઠી છે.






