કાલોલના કાતોલમાં પીવાના પાણીની પાઇપલાઇન તોડફોડ, અસામાજિક તત્વોના આતંકથી આખું ગામ પાણી વગર તરસ્યું.!!

તારીખ ૦૩/૦૬/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના કાતોલ ગામે અસામાજિક તત્વો દ્વારા આખા ગામને બાનમાં લેવાનો શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગામની જીવનદોરી ગણાતી અને પીવાનું પાણી પૂરું પાડતી બોરની મુખ્ય પાઇપલાઇનને ગત રાત્રે કેનાલ પાસે અસામાજિક તત્વોએ તોડી નાખી હતી. ગામલોકોને જાણીજોઈને હેરાન કરવાના ઇરાદે આ કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે, જેના કારણે હાલ સમગ્ર ગામમાં પીવાના પાણીનું ઘેરી કટોકટી સર્જાઈ છે.સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગામના કેટલાક લોકો આ નુકસાન પહોંચાડનાર તત્વોના નામ સારી રીતે જાણે છે. આમ છતાં, કોઈ અગમ્ય કારણોસર કે ડરના માર્યા કોઈ પણ ખુલ્લેઆમ નામ બોલવા તૈયાર નથી. પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધા પર તરાપ મારનારા આવા તત્વો સામે ગામમાં ભારે આક્રોશ હોવા છતાં એક અજ્ઞાત ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.આ ગંભીર બાબતે કાતોલ ગામના સરપંચનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતાં જ લાઇન રિપેરિંગ માટે તાત્કાલિક માણસો (કારીગરો) બોલાવી લેવામાં આવ્યા છે. પાઇપલાઇનનું રિપેરિંગ કામ પૂર્ણ થયા બાદ ગામમાં પાણીનો પુરવઠો વહેલી તકે પુનઃ શરૂ કરવામાં આવશે.ઉનાળાની સિઝનમાં જ્યારે પાણીની જરૂરિયાત સૌથી વધુ હોય છે, ત્યારે આખા ગામને મુશ્કેલીમાં મૂકનારા આવા તત્વો સામે માત્ર લાઇન રિપેર કરી દેવી પૂરતી નથી. ગ્રામજનોમાં ચર્ચા છે કે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ આ બાબતને ગંભીરતાથી લઈ, સરકારી મિલકતને નુકસાન કરનારા અને લોકહિતને નુકસાન પહોંચાડનારા તત્વોને શોધી કાઢી તેમની સામે દાખલારૂપ અને કડક કાયદાકીય કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી છે.






