કાલોલ તાલુકાના બેઢિયા ગામે ‘ખેત બચાઓ અભિયાન’ અંતર્ગત ખેડૂત શિબિર યોજાઈ

તારીખ ૦૩/૦૬/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં ૧ જૂનથી ૩૦ જૂન દરમિયાન ચલાવવામાં આવી રહેલા ‘ખેત બચાઓ અભિયાન’નાણ ભાગરૂપે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના બેઢિયા ગામે એક વિશેષ ખેડૂત લક્ષી કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK), પંચમહાલ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રાસાયણિક ખાતરોના આડેધડ ઉપયોગને નિયંત્રિત કરી જમીનની તંદુરસ્તી જાળવવાનો અને ખેતીના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરી ખેડૂતોને આર્થિક રીતે સધ્ધર બનાવવાનો છે. આ અભિયાન અંતર્ગત “કમ ખાદ, સાચી ખાદ અને સાચી સલાહ” ના સૂત્રને ચરિતાર્થ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.જમીનની ઘટતી જતી ફળદ્રુપતા અને પર્યાવરણીય સંતુલનને ધ્યાનમાં રાખીને આયોજિત આ કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા અને પ્રધાન વૈજ્ઞાનિક ડૉ. કનકલતાના માર્ગદર્શન હેઠળ ૫૦થી વધુ પ્રગતિશીલ ખેડૂતો સહભાગી થયા હતા. કેન્દ્રના વિષય નિષ્ણાત ડૉ. શક્તિ ખજુરિયાએ આ પ્રસંગે ખેડૂતોને કુદરતી ખેતીની વિવિધ પદ્ધતિઓ જેવી કે જીવામૃત, બીજામૃત, અને ઘનજીવામૃત તૈયાર કરવાની પ્રાયોગિક સમજ આપી હતી. તેમણે ખાસ કરીને જમીનમાં ભેજનું સંતુલન જાળવવા માટે ‘વાપસા’ અને ખેતરને ઢાંકી રાખવા માટે ‘આચ્છાદન’ (મલ્ચિંગ) જેવી પદ્ધતિઓ અપનાવવા અનુરોધ કર્યો હતો. જમીન પરીક્ષણના મહત્વ પર ભાર મૂકતા તેમણે જણાવ્યું હતું કે વૈજ્ઞાનિક રીતે માટીની તપાસ કરાવ્યા બાદ જ જરૂરી ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ, જેથી બિનજરૂરી ખર્ચ ટાળી શકાય.કાર્યક્રમના દ્વિતીય તબક્કામાં શ્રી વિશુ કંબોજે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના સર્વાંગી ઉત્થાન માટે અમલી બનાવવામાં આવેલી વિવિધ કૃષિ કલ્યાણકારી યોજનાઓની સવિસ્તાર માહિતી પૂરી પાડી હતી. તેમણે ખેડૂતોને સરકારની સહાયલક્ષી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અને આધુનિક ટેકનોલોજી સાથે પ્રાકૃતિક પદ્ધતિઓનો સમન્વય સાધવા અપીલ કરી હતી. આ શિબિરમાં સ્થાનિક અગ્રણી ખેડૂતો રમેશભાઈ રામાભાઈ વણકર, પુરુષોત્તમભાઈ મંગળભાઈ વણકર તેમજ સ્વસહાય જૂથના સભ્ય પુષ્પાબેન સનાભાઈ સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી.સમગ્ર આયોજન પંચમહાલ જિલ્લામાં ખેતીના ટકાઉ વિકાસ અને પર્યાવરણીય જાળવણી માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થયું છે. આ અભિયાન દ્વારા ખેડૂતોમાં જાગૃતિ લાવીને ખેતીને વધુ નફાકારક અને સુરક્ષિત બનાવવાની દિશામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, પંચમહાલ સતત પ્રયત્નશીલ છે.






