KALOL(Panchamahal)PANCHMAHAL

વાવાઝોડાએ ઝૂંટવી લીધો જીવ: કાલોલના ફતેપુરીમાં કાચું મકાન ધસી પડતાં ગંભીર ઘાયલ 14 વર્ષીય કિશોરીનું SSGમાં મોત.

 

તારીખ ૦૩/૦૬/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકામાં ગત સોમવારની રાત્રે અચાનક બદલાયેલા હવામાન અને તીવ્ર વાવાઝોડા સાથે આવેલા વિનાશક વરસાદે એક માસૂમ કિશોરીનો ભોગ લીધો છે. તાલુકાની દેવચોટીયા ગ્રામ પંચાયતમાં આવતા ફતેપુરી ગામે વાવાઝોડા દરમિયાન કાચું મકાન તૂટી પડતાં કાટમાળ નીચે દબાઈ જવાથી ગંભીર રીતે ઘવાયેલી ૧૪ વર્ષીય કિશોરીનું વડોદરાની એસ.એસ.જી. (SSG) હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન કરુણ મોત નીપજતાં સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે.

મળેલ માહિતી અનુસાર, ફતેપુરી ગામના પેલુ ફળિયામાં રહેતા સુરેશભાઈ નરવતભાઈ રાઠોડની ૧૪ વર્ષીય પુત્રી ભાવનાબેન ગત તારીખ ૦૧/૦૬/૨૦૨૬ની રાત્રે ગામમાં જ આવેલા તેમના ફોઈના કાચા મકાને સુવા માટે ગઈ હતી. રાત્રિના આશરે સાડા નવેક વાગ્યાના અરસામાં અચાનક તીવ્ર વેગ સાથે ફૂંકાયેલા વાવાઝોડા અને વાવાઝોડાના કારણે આ કાચું ઘર ધડાકાભેર તૂટી પડ્યું હતું. મકાન ધસી પડતાં માસૂમ ભાવનાબેન ભારેખમ કાટમાળ અને પતરા નીચે દબાઈ ગઈ હતી.આ દુર્ઘટનામાં ભાવનાબેનને શરીરે અને માથાના ભાગે અત્યંત ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તે ઘટનાસ્થળે જ બેભાન થઈ ગઈ હતી. આ અંગે સુરેન્દ્રસિંહ પ્રભાતસિંહ રાઠોડની જાહેરાતના આધારે કાલોલ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધ કરવામાં આવી હતી. જ્યાં સ્થાનિકો અને પરિવારજનો દ્વારા કિશોરીને તાત્કાલિક કાલોલથી વધુ સારવાર અર્થે વડોદરાની સિવિલ (એસ.એસ.જી.) હોસ્પિટલના આઈ.સી.યુ. (ICU) વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં જિંદગી અને મોત વચ્ચેની જંગ લડતા આખરે સારવાર દરમિયાન આ માસૂમ કિશોરીએ દમ તોડ્યો હતો.એક સામાન્ય પરિવારની દીકરીનું કુદરતી આફતમાં આ રીતે મોત થતાં ફતેપુરી ગામ સહિત સમગ્ર કાલોલ તાલુકામાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.

Back to top button
error: Content is protected !!