KALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુરમાં લાખોના ખર્ચે તૈયાર નવી સીટી સર્વે ઓફિસ ધૂળ ખાય છે,ઉદ્ઘાટન માટે તંત્ર અને નેતાઓ બેદરકાર.

 

તારીખ ૦૩/૦૬/૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના વેજલપુર ખાતે અંદાજિત લાખો રૂપિયાના ખર્ચે સરકારી તિજોરીમાંથી નવ નિર્માણ પામેલી આધુનિક સિટી સર્વે ઓફિસ બનીને તૈયાર થઈ ગઈ છે. પરંતુ વહીવટી તંત્રની ઘોર બેદરકારી અને નેતાઓ-અધિકારીઓની ઉદાસીનતાના કારણે આ નવીન કચેરી માત્ર શોભાના ગાંઠિયા સમાન બનીને રહી ગઈ છે. કચેરી ક્યારે ખુલ્લી મુકાશે તેની રાહ જોતી વેજલપુરની જનતા આજે પણ હાલાકી ભોગવવા મજબૂર બની છે.વેજલપુર ગામની મધ્યમાં આવેલી જૂની સિટી સર્વે કચેરી વર્ષોથી જર્જરિત હાલતમાં હોવાથી નવીન બિલ્ડિંગ બનાવવા ગ્રાન્ટ ફાળવાઈ હતી, છતાં વહીવટી ઢીલાશને કારણે કામ શરૂ થતું નહોતું. આખરે વેજલપુર ગામના જાગૃત નાગરિક સલીમ મહમદ કઠિયા દ્વારા ગોધરા સિટી સર્વે ઓફિસ અને જિલ્લા કલેક્ટર સહિતની કચેરીઓએ રૂબરૂ જઈ આવેદન પત્ર આપી ઉગ્ર માંગણી કરવામાં આવી હતી. આ લોકશાહી લડત બાદ તાત્કાલિક નવીન ઓફિસનું ખાતમુહૂર્ત કરી બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યું હતુ.સામાન્ય રીતે સરકારી ઇમારતો તૈયાર થઈ ગયા પછી સ્થાનિક નેતાઓ, ધારાસભ્યો કે મંત્રીઓની ઉપસ્થિતિમાં મોટા પાયે ઉદ્ઘાટન કરવાના આગ્રહ રાખવામાં આવતા હોય છે. સૂત્રોના જણાવ્યા મુજબ, નેતાઓનો સમય ન મળવાને કારણે આ લાખોની કચેરી કેટલાક સમયથી બંધ હાલતમાં ધૂળ ખાઈ રહી છે. આટલું જ નહીં, ઉદ્ઘાટનના અભાવે નવી કચેરીના કમ્પાઉન્ડમાં અત્યારથી જ ગંદકીનું સામ્રાજ્ય અને ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે, જે સરકારી મિલકતની જાળવણી સામે મોટા સવાલો ઊભા કરે છે.શું અધિકારીઓ ઉદ્ઘાટન માટે ફરી કોઈ આવેદન પત્ર આપે તેની રાહ જોઈ રહ્યા છે? જનતાના પરસેવાના પૈસે બનેલી કચેરી લોકોના ઉપયોગમાં ન આવવી તે સરકારી નાણાંનો સીધો દુરુપયોગ અને વહીવટી નાકામિયાબી દર્શાવે છે.હાલમાં સિટી સર્વેની કામગીરી વેજલપુર ગામથી બે કિલોમીટર દૂર એક ખાનગી ભાડાના મકાનમાં ચાલી રહી છે. ગામની બહાર લાંબે સુધી ધક્કા ખાવા પડતા હોવાથી સ્થાનિક લોકો અને અરજદારોમાં ભારે રોષ છે. સ્થાનિક સ્તરે ચાલતી પ્રબળ ચર્ચાઓ મુજબ, સિટી સર્વેના અધિકારીઓ ભાડાના મકાન માલિકને સીધો આર્થિક લાભ પહોંચાડવા માટે જાણીજોઈને વિલંબ કરી રહ્યા છે. મકાન માલિક સાથે સાઠગાંઠ કરીને કઈંક ને કઈંક ‘કટકી’ થતી હોવાના ગંભીર આક્ષેપો પણ લોકો લગાવી રહ્યા છે, જેના કારણે જ નવી ઓફિસનું ઉદ્ઘાટન પાછું ઠેલાઈ રહ્યું હોવાની આશંકા પ્રબળ બની છે.અધિકારીઓની બેદરકારીને કારણે પ્રજાલક્ષી યોજનાઓ અને સેવાઓનો સીધો લાભ નાગરિકો સુધી પહોંચતો અટકી ગયો છે. વેજલપુર ગામના ગ્રામજનોની ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સમક્ષ પૂરજોશ માંગ ઉઠી છે કે આ પ્રકારની વહીવટી આળસ ખંખેરી, રાજકીય નેતાઓની રાહ જોયા વિના વહેલી તકે ઉચ્ચ અધિકારીઓ દ્વારા જ આ નવ નિર્માણ કચેરીનું ઉદ્ઘાટન કરી તેને જનતા માટે ખુલ્લી મૂકવામાં આવે.

Back to top button
error: Content is protected !!