GUJARATKUTCHMANDAVI

વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત કચ્છ જિલ્લાના ગામોમાં “સ્વચ્છ ગામ, સુરક્ષિત જળવાયુ” અભિયાનનો પ્રારંભ

“મારું ગામ - સ્વચ્છ ગામ” ના સંકલ્પ સાથે કચ્છ જિલ્લામાં સફાઈ ઝુંબેશ: ૫મી જૂને પર્યાવરણ સુરક્ષા અર્થે યોજાશે વિશેષ ગ્રામસભાઓ

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી ,તા-૦૪ જૂન : વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચ્છની સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) શાખા દ્વારા જિલ્લાના તમામ ગામોમાં “સ્વચ્છ ગામ, સુરક્ષિત જળવાયુ” અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાનનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને પ્લાસ્ટિક મુક્તિ અંગે જનજાગૃતિ લાવવાનો છે.આ અભિયાન અંતર્ગત ગામોમાં ઘન કચરા વ્યવસ્થાપન (SWM) ના નિયમો અંગે ગ્રામજનોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, સ્વચ્છતા જાળવવા માટે ગામોમાં નિર્માણ કરવામાં આવેલી વિવિધ સુવિધાઓ અને ઘટકો અંગે પણ લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. પર્યાવરણનું મહત્તમ સંરક્ષણ થાય અને દૈનિક જીવનમાં પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો થાય તે માટે વિશેષ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આગામી તા. ૫મી જૂનના રોજ તમામ ગામોમાં વિશેષ ગ્રામસભાનું આયોજન કરવામાં આવશે. આ ગ્રામસભામાં સ્વચ્છતા, કચરા વ્યવસ્થાપન અને પર્યાવરણ સંરક્ષણ સંબંધિત મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.આ સાથે જ, “મારું ગામ – સ્વચ્છ ગામ” ના સંકલ્પ સાથે ગામોમાં સામૂહિક સફાઈ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું છે. ગ્રામજનોની સક્રિય સહભાગિતાથી જાહેર સ્થળો, શેરીઓ અને અન્ય વિસ્તારોની ઝુંબેશ સ્વરૂપે સફાઈ કરવામાં આવી રહી છે. આ સઘળા પ્રયાસોથી ગામોમાં સ્વચ્છતા જળવાઈ રહેશે, ગામ વધુ સ્વચ્છ અને સુંદર બનશે, તેમજ લોકોમાં પર્યાવરણ પ્રત્યે પ્રેમ અને સામાજિક જવાબદારીની ભાવના વધુ મજબૂત બનશે.જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, કચ્છ દ્વારા તમામ ગ્રામજનોને સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણના આ અભિયાનમાં સક્રિયપણે સહભાગી થવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!