
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
કચ્છમાં ૧૨ થી ૨૦ જૂન દરમિયાન ‘જનકલ્યાણ શિબિર’: નાગરિકોને સ્થળ પર જ મળશે સરકારી યોજનાઓનો સીધો લાભ.
વિકાસકાર્યોની ઝાંખી કરાવવા કચ્છમાં યોજાશે ‘પ્રગતિપથ યાત્રા’ અને પ્રબુદ્ધ નાગરિકો સાથે ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’
કચ્છમાં પર્યાવરણ જતન માટે વ્યાપક વૃક્ષારોપણ-સ્વચ્છતા અભિયાન અને ખેડૂતો માટે ‘પ્રાકૃતિક ખેતી કાર્યશાળા’નું આયોજન
નાગરિકોને સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાની અપીલ: ૨૧મી જૂને વિશ્વ યોગ દિવસ સાથે થશે કાર્યક્રમોની પૂર્ણાહુતિ
ભુજ,તા-૦૫ જૂન : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ ૧૨ વર્ષ એ માત્ર શાસનના વર્ષો નથી, પરંતુ ‘વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના’ વર્ષો રહ્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારે રાજ્યવ્યાપી સેવાકીય કાર્યક્રમોનું આયોજન કર્યું છે. ‘વિકસિત ભારત @૨૦૪૭’ના ભવ્ય લક્ષ્યને સિદ્ધ કરવાના ભાગરૂપે ‘વિકસિત ગુજરાત @૨૦૪૭’નું ધ્યેય સાકાર કરવા માટે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લામાં જનકલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રમુખ યોજનાઓનો સમન્વય કરીને તા. ૦૫ જૂન, ૨૦૨૬ થી તા. ૨૧ જૂન, ૨૦૨૬ સુધી કચ્છ જિલ્લામાં વ્યાપક જનજાગૃતિ તથા વિકાસલક્ષી કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ્ય કચ્છના છેવાડાના સામાન્ય માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવાનો અને વિકાસની આ યાત્રામાં સીધી લોકભાગીદારી વધારવાનો છે.આ કાર્યક્રમોની શરૂઆત પર્યાવરણના જતન અને સુરક્ષાના ઉમદા હેતુથી કચ્છ જિલ્લામાં કરવામાં આવી છે. જે અંતર્ગત ૫ જૂન, ૨૦૨૬ના રોજ ‘એક પેડ માં કે નામ’ થીમ હેઠળ વૃક્ષારોપણ અને જતન અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ જ શૃંખલાને વધુ મજબૂત બનાવતા, ૦૮ થી ૧૪ જૂન, ૨૦૨૬ દરમિયાન સમગ્ર કચ્છ જિલ્લામાં વ્યાપક વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવશે. આ અભિયાન થકી કચ્છના નાગરિકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરી સ્વચ્છ અને હરિયાળા જિલ્લાના નિર્માણ માટે સહભાગી થવા પ્રેરિત કરવામાં આવશે.કચ્છ જિલ્લામાં થયેલા વિકાસ કાર્યોથી નાગરિકોને રૂબરૂ માહિતગાર કરવાના હેતુથી ૦૮ જૂન થી ૧૪ જૂન, ૨૦૨૬ દરમિયાન ‘પ્રગતિપથ યાત્રા’ યોજાશે, જેમાં જિલ્લાના મહત્વપૂર્ણ વિકાસ સ્થળોની મુલાકાતો ગોઠવવામાં આવશે. આ જ સમયગાળામાં એટલે કે ૦૮ થી ૧૪ જૂન દરમિયાન જિલ્લાના અંદાજે ૫૦૦ જેટલા પ્રતિષ્ઠિત નાગરિકોનો સંપર્ક સાધીને સરકારના વિકાસ કાર્યો અને ભવિષ્યની રૂપરેખા અંગે અગત્યની ચર્ચા કરવામાં આવશે ત્યારબાદ, ૧૪ જૂન થી ૧૫ જૂન, ૨૦૨૬ દરમિયાન ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ યોજાશે, જે મુખ્યત્વે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન મહત્વપૂર્ણ બની રહેશે. આ સંમેલનોમાં કચ્છના બુદ્ધિજીવીઓ, નિષ્ણાતો અને અગ્રણીઓ સાથે વિકસિત ભારતના સંકલ્પ અંગે વિચાર-વિમર્શ કરવામાં આવશે.સામાન્ય નાગરિકોના પ્રશ્નો હલ કરવા અને તેમને યોજનાઓનો સીધો લાભ પહોંચાડવાના ઉદ્દેશ્યથી ૧૨ જૂન થી ૨૦ જૂન, ૨૦૨૬ દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારની સિદ્ધિઓ દર્શાવતા પ્રદર્શન તેમજ ‘જનકલ્યાણ શિબિર’ કચ્છમાં યોજવામાં આવશે. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની વિવિધ જનકલ્યાણકારી સરકારી યોજનાઓ લાભ નાગરિકોને સ્થળ પર જ આપવામાં આવશે.કચ્છના ખેડૂત મિત્રોને આધુનિક અને ઝેરમુક્ત ખેતી તરફ વાળવા તેમજ માર્ગદર્શન આપવા માટે ૧૬ જૂન થી ૨૦ જૂન, ૨૦૨૬ દરમિયાન જિલ્લા સ્તરે ‘પ્રાકૃતિક ખેતી કાર્યશાળા’નું આયોજન કરાયું છે. આ સંપૂર્ણ પખવાડિયાના વિવિધ કાર્યક્રમોની પૂર્ણાહુતિ ૨૧ જૂન, ૨૦૨૬ના રોજ ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી સાથે કરવામાં આવશે. કચ્છ કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાએ કચ્છ જિલ્લા વહીવટી તંત્ર વતી તમામ નાગરિકોને આ જનકલ્યાણકારી કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં જોડાઈને લાભ લેવા અપીલ કરી છે.


