
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.
એક દિવસ નહીં પરંતુ વર્ષભર પર્યાવરણના જતન માટે કામગીરી કરી નાગરિકો સામાજિક જવાબદારી નિભાવે : સાંસદ વિનોદભાઈ ચાવડા
અંજાર ,તા-૦૫ જૂન : કચ્છના અંજાર તાલુકાના સતાપર ગામમાં ગોવર્ધન પર્વત ખાતે ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના અઘ્યક્ષસ્થાને વિશ્વ પર્યાવરણ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે જિલ્લાકક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.આ પ્રસંગે રાજ્યકક્ષાના ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પર્યાવરણના સંરક્ષણ માટે સતત ચિંતિત છે. તેઓ દ્વારા શરૂ કરવામાં આવેલું “એક પેડ મા કે નામ” સાથે દરેક નાગરિક જોડાઈને પોતાની સામાજિક જવાબદારી નિભાવે તે જરૂરી છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, એક સમય સતત દુષ્કાળનો સામનો કરતો કચ્છ આજે સરકાર, વિવિધ સંસ્થાઓ તથા નાગરિકોના પ્રયત્નોથી વાવેતર કરાયેલા વૃક્ષોથી હરિયાળો બની રહ્યો છે , જેના પરિણામે શ્રીકાર વરસાદની મહેર દર વર્ષે કચ્છમાં થઈ રહી છે. ત્યારે જિલ્લાને વધુ હરિયાળો બનાવવા દરેક નાગરિકે માત્ર વૃક્ષ રોપણ નહીં સાથે તેનું જતન કરવા સક્રિય બની સામાજિક જવાબદારી નિભાવી જોઈએ.આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, પર્યાવરણ દિવસની ઉજવણી માત્ર એક દિવસ પૂરતી ન હોવી જોઈએ પરંતુ દરેક નાગરિકે સામાજિક જવાબદારીના ભાગરૂપે સમગ્ર વર્ષ દરમિયાન વૃક્ષારોપણ, પ્લાસ્ટિક મુક્ત અભિયાન, જળ સંચય વગેરે જેવી પર્યાવરણ સંરક્ષણની પ્રવૃત્તિમાં ભાગ લઈને પોતાની જનભાગીદારી નોંધાવવી જોઈએ. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આજે ગ્લોબલ વોર્મિંગ સહિતની સમસ્યાઓ વધી રહી છે ત્યારે પર્યાવરણને બચાવવા માટે દરેક નાગરિકે સરકારની સાથે પોતાની સહભાગિતા વધારવી પડશે. તેમણે ગોવર્ધન પર્વત ખાતે થયેલી પર્યાવરણની સંરક્ષણની પ્રવૃતિની પ્રશંસા કરતા આ પર્યાવરણ જતન ના કાર્યને સામાજિક જવાબદારીનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાએ નાગરિકોને પરિવારમાં બાળકના જન્મપ્રસંગે એક વૃક્ષ વાવીને તેનું જતન કરવાના સંકલ્પ સાથે પ્રકૃતિના સંરક્ષણમાં સહભાગી બની આવનારી પેઢી માટે પૃથ્વીને હરિયાળી બનાવવા અનુરોધ કર્યો હતો.મુખ્ય વન સંરક્ષકશ્રી ડૉ.ધીરજકુમાર મિત્તલે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત જિલ્લામાં વૃક્ષો જનસહયોગથી ઉછેરવામાં આવી રહ્યા છે તેમજ આ વર્ષે પણ વૃક્ષારોપણ અને વૃક્ષ સંવર્ધન અંગેની કામગીરી હાથ ધરવામાં આવશે.કચ્છ જિલ્લા સામાજિક વનીકરણ વિભાગના ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં ગોવર્ધન પર્વત ખાતે મહાનુભાવ સૌએ વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે પર્યાવરણ અને વનક્ષેત્રે વિશિષ્ટ કામગીરી બદલ સામાજિક સંસ્થાઓ તથા ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રભાબેન હુણ, અંજાર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી સંદીપભાઈ ચાવડા, અંજાર પાલિકા પ્રમુખશ્રી ધર્મિષ્ઠાબેન ખાંડેકા, જિલ્લા પંચાયત સદસ્યશ્રી પુષ્પાબેન વરાયા, શ્રી નરેશભાઇ થારુ, જયશ્રીબેન ડાંગર, સતાપર સરપંચશ્રી ગીતાબેન ડુંગરિયા સહિતના પદાધિકારીઓ, નાયબ વન સંરક્ષકશ્રી જે. આર. પટેલ અને શ્રી નેવિલ ચૌધરી સહિત અગ્રણીઓ, ફોરેસ્ટરશ્રીઓ તેમજ પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.



