
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
પાણીવેરા પ્રોત્સાહક યોજના હેઠળ પંચાયતોને મળશે બે લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય
માંડવી-કચ્છ ,તા-૦૭ જૂન : ગ્રામ્યકક્ષાએ પીવાના પાણીની યોજનાઓનું સારી રીતે સંચાલન થાય, પીવાના પાણીનું માળખું મજબૂત બને અને પાણીવેરાની વસૂલાત નિયમિત થાય તે માટે ગુજરાત સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા ‘પાણીવેરા પ્રોત્સાહક યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ સમયસર પાણીવેરો ઉઘરાવીને ગ્રામ પંચાયતોને આર્થિક રીતે વધુ સક્ષમ બનાવવાનો છે, જેથી ગામડાઓ પોતાની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવા માટે સ્વાવલંબી બની શકે.આ યોજના ખાસ કરીને એવા ગામો માટે જાહેર કરવામાં આવી છે, જ્યાં ૩૧ માર્ચ ૨૦૨૪ સુધીમાં ઈ-ગ્રામ પોર્ટલ મુજબ પાણીવેરાની વસૂલાત ૩૦ ટકા કરતાં ઓછી થઈ હોય. આવા ગામોમાં નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ના અંત સુધીમાં ઉઘરાવવામાં આવેલા પાણીવેરાની ઈ-ગ્રામ પોર્ટલ મારફતે ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ, જે ગામોમાં પાણીવેરાની વસૂલાત કુલ માંગના ૫૦ ટકા કરતાં વધુ થઈ હશે, તેવી લાયકાત ધરાવતી ગ્રામ પંચાયતોને વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન સરકાર તરફથી પ્રોત્સાહક રકમ આપવામાં આવશે.આ યોજના હેઠળ માપદંડ પૂર્ણ કરતી ગ્રામ પંચાયતને વધુમાં વધુ રૂપિયા ૧,૫૦,૦૦૦ સુધીની પ્રોત્સાહક રકમ મળી શકે છે. જો ગ્રામ પંચાયત ગામના નોંધાયેલા તમામ એટલે કે ૧૦૦ ટકા ઘરોમાંથી પાણીવેરો વસૂલ કરે, તો તેમને નિયત રકમ ઉપરાંત વધારાના રૂપિયા ૫૦,૦૦૦ નું વિશેષ પ્રોત્સાહન આપવામાં આવશે. આમ, પંચાયતો સારી કામગીરી કરીને મોટી આર્થિક સહાય મેળવી શકે છે ગ્રામ પંચાયત ઉપરાંત, જો ગામની પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળી (PACS) અથવા સખી મંડળો (SHGs) પણ આ કામગીરીમાં જોડાય અને કુલ માંગના ૫૦ ટકા કે તેથી વધુ વેરો ઉઘરાવે, તો તેમને રૂપિયા ૩૦,૦૦૦ ની પ્રોત્સાહક રકમ મળશે. જો આ મંડળો ૧૦૦ ટકા વસૂલાત કરે તો તેમને વધારાના રૂપિયા ૨૦,૦૦૦ મળીને કુલ રૂપિયા ૫૦,૦૦૦ ની રકમ મળશે. આ કામગીરીની ઓનલાઈન નોંધણી એટલે કે ડેટા એન્ટ્રી કરવા માટે ગ્રામ પંચાયતના કમ્પ્યુટર ઓપરેટર (VCE) ને પણ દરેક ઘર દીઠ રૂપિયા ૭ લેખે અલગથી મહેનતાણું ચૂકવવામાં આવશે.સરકારની આ યોજનાનો મહત્તમ લાભ લેવા અને આપણા ગામને સમૃદ્ધ બનાવવા માટે દરેક નાગરિકે સમયસર પાણીવેરો ભરવો ખૂબ જ જરૂરી છે. આવો, આપણે સૌ સમયસર પાણીવેરો ભરીએ અને આપણા ગામના વિકાસમાં સહભાગી બનીએ. આ યોજના વિશે વધુ માહિતી અને માર્ગદર્શન મેળવવા માટે નાગરિકો વોટર એન્ડ સેનીટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન (વાસ્મો) કચેરી, બન્ની ઈન્સ્પેક્શન બંગલો કેમ્પસ, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની બાજુમાં, ભુજ-કચ્છ ખાતે સંપર્ક કરી શકે છે.



