કાલોલમાં ગુંજ્યો શૌર્યનો નાદ,કરણી સેનાની તલવારબાજી તાલીમ શિબિરમાં યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો.

તારીખ ૦૬/૦૬/૨૯૨૬
સાજીદ વાઘેલા કાલોલ
બહેનોના સ્વરક્ષણ અને શૌર્ય પરંપરાને જીવંત રાખવા ૧૫ દિવસીય વિશેષ શિબિર યોજાઈ; તાલીમાર્થીઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા
પંચમહાલ જિલ્લામાં શૌર્ય અને સ્વરક્ષણની ભવ્ય પરંપરાને જીવંત રાખવાના ઉદ્દેશ્ય સાથે કાલોલ નગરમાં એક વિશેષ અકાદમીનું આયોજન કોમ્યુનિટી હોલમાં કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય કરણી સેના અને જય ભવાની તલવારબાજી ક્લાસીસના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી પંચમહાલ જિલ્લાની સર્વપ્રથમ તલવારબાજી તાલીમ શિબિરનું આજે ભારે ઉત્સાહપૂર્વક સમાપન કરવામાં આવ્યું હતું.
આ શિબિરમાં મુખ્યત્વે સ્ત્રીઓના આત્મરક્ષણ (Self-defense) અને બહેનોમાં સ્વરક્ષણ કરવાની આવડત કેળવાય તે બાબત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ૧૫થી વધુ દિવસ ચાલેલી આ સઘન તાલીમ શિબિરમાં જય ભવાની તલવારબાજી, બાકરોલના નિકિતાબા દ્વારા તમામ તાલીમાર્થીઓને અત્યંત શિસ્તબદ્ધ રીતે તલવારબાજીના અવનવા દાવપેચ શીખવવામાં આવ્યા હતા.
તાલીમ શિબિરના સમાપન પ્રસંગે ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મનીષસિંહ પરમાર (બાપુ) તથા ગુજરાત કરણી સેનાના પ્રદેશ પ્રવક્તા સંજયસિંહ રાજ (બાપુ) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પંચમહાલ કરણી સેનાના પ્રમુખ પંકજસિંહ ચૌહાણ, મહિલા અધ્યક્ષ નિકિતાબા ગોહિલ તેમજ ટ્રેનર વઘાર સહિતના મહાનુભાવોની ગરિમામય હાજરીમાં સમાપન કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે શિબિરમાં ઉત્સાહભેર ભાગ લેનાર તમામ મહિલાઓ, પુરુષો અને બાળકોને મહાનુભાવોના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.તાલીમ પૂર્ણ કરનાર દીકરા-દીકરીઓના ઉત્સાહને વધારતા મહાનુભાવોએ જણાવ્યું હતું કે, આજના આધુનિક જમાનામાં સ્ત્રીઓએ પોતાના આત્મરક્ષણ માટે સક્ષમ બનવું ખૂબ જ અનિવાર્ય છે. સમાજમાં પોતાનું રક્ષણ કેવી રીતે કરવું તે અંગે આ શિબિરમાં રસપ્રદ અને વ્યવહારુ માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ સફળ આયોજન બદલ સમગ્ર પંથકમાં કરણી સેનાની કામગીરીને બિરદાવવામાં આવી રહી છે.







