
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૦૬ જૂન : ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ આગામી તા. ૦૮ જૂન થી ૧૪ જૂન, ૨૦૨૬ દરમિયાન સમગ્ર રાજ્યની સાથે કચ્છ જિલ્લામાં પણ “સ્વચ્છતા સપ્તાહ” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા અંગે વ્યાપક જનજાગૃતિ લાવવા, જાહેર સ્થળોની નિયમિત સફાઈ સુનિશ્ચિત કરવા અને ઘન તેમજ પ્રવાહી કચરાના વ્યવસ્થાપનને વધુ અસરકારક બનાવવાનો છે.આ અભિયાન અંતર્ગત કચ્છ જિલ્લાના તમામ ગામોમાં સામૂહિક સફાઈ ઝુંબેશ, જનજાગૃતિ કાર્યક્રમો અને સ્વચ્છતાને લગતી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. ગ્રામજનોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ અને જવાબદારીની ભાવના વિકસે તથા ગામડાઓ સ્વચ્છતા ક્ષેત્રે અગ્રેસર બને તે માટે કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.સ્વચ્છતા સપ્તાહ દરમિયાન દરરોજ અલગ-અલગ થીમ આધારિત કાર્યક્રમો યોજાશે. જે અંતર્ગત તા. ૦૮-૦૬-૨૦૨૬ ના રોજ સ્વચ્છતા જાગૃતિ રેલી સાથે આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે. ત્યારબાદ તા. ૦૯-૦૬-૨૦૨૬ ના રોજ પ્લાસ્ટિક મુક્ત ગ્રામ્ય દિવસની ઉજવણી કરાશે. જ્યારે તા. ૧૦-૦૬-૨૦૨૬ ના રોજ જળાશયો અને ખુલ્લા પ્લોટની સઘન સફાઈ હાથ ધરવામાં આવશે. આ જ ક્રમમાં તા. ૧૧-૦૬-૨૦૨૬ ના રોજ ડ્રેઇન અને ડ્રેઇન ટ્રીટમેન્ટ સિસ્ટમની સફાઈ, અને તા. ૧૨-૦૬-૨૦૨૬ ના રોજ શેરી, રસ્તા તેમજ ગટરની આસપાસ એકત્રિત થયેલા કચરાની સફાઈ કરવામાં આવશે. તા. ૧૩-૦૬-૨૦૨૬ ના રોજ જાહેર સંસ્થાઓ, ધાર્મિક જગ્યાઓ અને જાહેર સ્થળોએ સ્વચ્છતા ઝુંબેશ ચલાવવામાં આવશે. તા. ૧૪-૦૬-૨૦૨૬ ના રોજ સ્વચ્છતા શપથ લેવડાવવાની સાથે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (SWM) નિયમો-૨૦૨૬ અંગે જાગૃતિ લાવવાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.આ સપ્તાહ દરમિયાન ગામોમાં આવેલી શાળાઓ, આંગણવાડીઓ, ગ્રામ પંચાયત કચેરીઓ, આરોગ્ય કેન્દ્રો, જાહેર માર્ગો, બસ સ્ટેન્ડ, તળાવ અને નદી કાંઠાઓ સહિતના અન્ય જાહેર સ્થળોએ વિશેષ સફાઈ ઝુંબેશ હાથ ધરાશે. આ ઉપરાંત, પ્લાસ્ટિક મુક્તિ, કચરાના યોગ્ય વિભાજન, વેસ્ટનો નિકાલ અને શ્રમદાન જેવી લોકપયોગી પ્રવૃત્તિઓ પણ યોજવામાં આવશે.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા અને તાલુકા કક્ષાના વર્ગ-૧ અને વર્ગ-૨ ના અધિકારીશ્રીઓ જિલ્લાના વિવિધ ગામોની રૂબરૂ મુલાકાત લેશે અને સ્વચ્છતાલક્ષી કામગીરીનું સઘન નિરીક્ષણ કરશે. આ અભિયાનમાં ગ્રામ પંચાયતો, શાળા-કોલેજો, આંગણવાડીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, મહિલા મંડળો, યુવા મંડળો તથા સ્થાનિક ગ્રામજનોની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવશે.“સ્વચ્છ ગામ – સ્વસ્થ ગામ” ના સંકલ્પને સાકાર કરવા અને સૌના સહયોગથી કચ્છ જિલ્લાને વધુ સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બનાવવા માટે કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને આ અભિયાનમાં ઉત્સાહભેર જોડાવા માટે અનુરોધ કરવામાં આવે છે તેમ નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.



