DAHODDAHOD CITY / TALUKO

દાહોદ જિલ્લામાં પ્રિ-મોન્સૂન હાઉસ-ટુ-હાઉસ સર્વે કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી

તા.૧૦.૦૬.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લામાં પ્રિ-મોન્સૂન હાઉસ-ટુ-હાઉસ સર્વે કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી

દાહોદ જિલ્લામાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોના અસરકારક નિયંત્રણ અને વર્ષ 2030 સુધી મેલેરિયા નિર્મૂલનના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખી તા. 18.05.2026 થી 27.05.2026 દરમિયાન જિલ્લાના તમામ તાલુકાઓમાં વ્યાપક પ્રિ-મોન્સૂન હાઉસ-ટુ-હાઉસ સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ કામગીરી માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવતના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા મેલેરિયા અધિકારી અતિત ડામોરના દિશાનિર્દેશ મુજબ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સઘન રીતે કરવામાં આવી હતી.સર્વે દરમિયાન કુલ 17,184 લોહીના નમૂનાઓ સ્થળ પર જ લેવામાં આવ્યા હતા. તેની તપાસ દરમિયાન એક પણ મેલેરિયા પોઝિટિવ કેસ નોંધાયો નહોતો, જે જિલ્લાની આરોગ્ય સેવાઓ અને જનજાગૃતિના સફળ પરિણામનું પ્રતિબિંબ છે.કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં આવેલ 2,248 બાંધકામ સ્થળો તેમજ 1,711 સરકારી સંસ્થાઓની મુલાકાત લઈ ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન જ્યાં મચ્છરોના પ્રજનન માટે અનુકૂળ પરિસ્થિતિ જોવા મળી હતી, જેમ કે ભંગાર ટાયરની દુકાનો, કાટમાળના ઢગલા અને અન્ય જોખમી સ્થળો, તેવા 295 સ્થળોએ ભારતીય દંડ સંહિતા અધિનિયમ 1897 કલમ 188 મુજબ નોટિસો આપવામાં આવી હતી.આ ઉપરાંત જિલ્લામાં મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે 2,30,370 જેટલા સંભવિત પ્રજનન સ્થળોએ પડેલા નકામા પાત્રો, માટલાં, નારિયેળની કાચલીઓ, ટાયર, કુંડાં વગેરે દૂર કરવા તેમજ તેનો નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે ગ્રામ્ય વિસ્તારોમાં 745 આરોગ્ય શિક્ષણ શિબિરો યોજવામાં આવી હતી, જેના માધ્યમથી મચ્છરજન્ય રોગોથી બચવાના ઉપાયો, સ્વચ્છતા અને પાણીના યોગ્ય સંગ્રહ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે કે મેલેરિયા મુક્ત દાહોદ અને મેલેરિયા મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આવી કામગીરીઓ આગામી સમયમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે. આ સમગ્ર અભિયાનને સફળ બનાવવા માટે જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારીઓ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ તેમજ જિલ્લાના નાગરિકોના મળેલા સહકાર બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે

Back to top button
error: Content is protected !!