દાહોદ અને ગરબાડા સબ-ડિવિઝન હેઠળના કુલ છ પોલીસ સ્ટેશનો દ્વારા જપ્ત કરાયેલો દારૂનો જથ્થો નાશ કરાયો

તા.૧૦.૦૬.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ અને ગરબાડા ડિવિઝન પોલીસે નશાબંધીના કડક અમલ હેઠળ મોટી કાર્યવાહી કરી છે. વિવિધ પ્રોહિબિશન ગુનાઓમાં જપ્ત કરાયેલા ₹2.05 કરોડથી વધુની કિંમતના 1.37 લાખ બોટલ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.
ગુજરાત સરકારની નશાબંધી નીતિના ભાગરૂપે આ સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પકડાયેલા ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના જથ્થા પર જેસીબી અને રોલર ફેરવીને તેનો સંપૂર્ણ નાશ કરાયો હતો.આ કામગીરી પંચમહાલ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી અને દાહોદ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ થઈ હતી. નામદાર કોર્ટમાંથી કાયદેસરની મંજૂરી મેળવી, નિયુક્ત કમિટીના અધ્યક્ષ, સભ્યો અને સચિવોની હાજરીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરાઈ.દાહોદ અને ગરબાડા સબ-ડિવિઝન હેઠળના કુલ છ પોલીસ સ્ટેશનો દ્વારા જપ્ત કરાયેલો દારૂનો જથ્થો નાશ કરાયો હતો. આમાં દાહોદ ‘એ’ ડિવિઝન, દાહોદ ‘બી’ ડિવિઝન, દાહોદ રૂરલ, કતવારા, ગરબાડા અને જેસવાડા પોલીસ સ્ટેશનોનો સમાવેશ થાય છે.નાશ કરાયેલી કુલ 1,37,210 નાની-મોટી દારૂની બોટલો અને બિયરનો અંદાજિત મુદ્દામાલ ₹2,05,31,854/- હતો. આ કાર્યવાહી દાહોદ (ક), જુના ઇન્દોર રોડ, આર.ટી.ઓ. ચેક પોસ્ટ પાસેની સર્વે નંબર ૫૨૯ અ/પૈકી જમીન પર કરવામાં આવી હતી.
નિર્ધારિત ખુલ્લા મેદાનમાં તમામ દારૂની બોટલો અને ટીનને ગોઠવીને તેના પર ભારેખમ રોલર અને જેસીબી મશીન ફેરવી દેવામાં આવ્યું હતું. આ રીતે સમગ્ર જથ્થાને કચડી નાખીને નષ્ટ કરવામાં આવ્યો.આ પ્રક્રિયા દરમિયાન દાહોદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.પી.ભંડારી, ગરબાડા વિભાગના DySP એમ.કે.સ્વામી, દાહોદ સબ-ડિવિઝનલ એમ.ડી.દવે, નશાબંધી અને આબકારી અધિકારી બી.એન.પારગી સહિત બંને ડિવિઝનના તમામ થાણા અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



