BHUJGUJARATKUTCH

રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ રેડક્રોસ ભવન ખાતે બ્લેડ બેંકની મુલાકાત લઈને બ્લડ કલેક્શન સહિતની સુવિધાઓને પ્રસંશનીય ગણાવી

બ્લડ ડોનર દિવસ નિમિત્તે રક્તદાન કરીને લોકોનું જીવન બચાવવા અનુરોધ કરતાં સાંસદ વિનોદભાઈ ચાવડા

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

બેઝિક લાઈફ સેવિંગ કોર્સના વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવીને તેમના ઉજ્જવળ ભવિષ્યના કામના કરતા મહાનુભાવો

ભુજ,તા-૧૪ જૂન : બ્લડ ડોનર દિવસ નિમિત્તે કચ્છ જિલ્લાના પ્રભારીમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ રેડક્રોસ ભવન ભુજ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનો શુભારંભ કરાવ્યો હતો. રાજ્યમંત્રી એ બ્લડ સ્ટોરેજ ફેસિલિટી અને આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબની સુવિધાઓનું નિરીક્ષણ કરીને રેડક્રોસ સંસ્થાની કામગીરીને પ્રસંશનીય ગણાવી હતી. રાજ્યમંત્રી એ બેઝિક લાઈફ સેવિંગ કોર્સની તાલીમ લઈ રહેલા તાલીમાર્થીઓ સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે, જ્યારે કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે તમામ હોસ્પિટલ પડી ભાંગી હતી. આ કપરા સમયે ભુજમાં ટેન્ટમાં જ બેઝ હોસ્પિટલ શરૂ કરીને રેડક્રોસ સંસ્થાએ અનેક લોકોના જીવને બચાવ્યા હતા. રેડક્રોસની હયાત બ્લડ બેંક, સ્ટોરેજ ફેસિલિટી અને ફિઝિયોથેરેપી જેવી સુવિધાઓ કચ્છના લોકો માટે આર્શીવાદરૂપ બની છે. આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, આજે જે યુવક યુવતીઓ બેઝિક લાઈફ સેવિંગ કોર્ષની તાલીમ રેડક્રોસ ખાતે લઈ રહ્યા છે તે આવનારા સમયમાં કોઈ માટે જીવનદાન બનશે. સાંસદ એ રેડક્રોસની સેવાભાવનાને બિરદાવીને લોકોને રક્તદાન કરવા અપીલ કરી હતી. રેડક્રોસના ચેરમેન ધવલભાઈ આચાર્યે રેડક્રોસ સંસ્થા કચ્છમાં અનેક જિંદગીઓને બચાવવામાં નિમિત્ત બની રહી છે તે વાતનો આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, કચ્છના દરેક તાલુકાઓમાં બ્લડ બેંક, બ્લડ સ્ટોરેજ જેવી ખૂબ જ જરૂરી ફેસિલિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. વેક્સિનેશન, ફિઝિયોથેરેપી અને હેલ્થ ચેકએપ સહિતની સેવાઓનો લાભ કચ્છના લોકોને મળી રહ્યો છે.આ પ્રસંગે રેડક્રોસના પ્રેસિડેન્ટ અને જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા, અગ્રણી ફલજીભાઈ ચૌધરી,  હિતેશભાઈ ખંડોર, ભીમજીભાઈ જોધાણી, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, રેડક્રોસના સેક્રેટરી મીરાં સાવલિયા, વાઈસ ચેરમેન વિમલ મહેતા, ખજાનચી સંજય ઉપાધ્યાય, સભ્ય ઓ ધર્મેન્દ્ર કચ્છી, પરાગ લિયા, હિરાલાલ સોની સહિત તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Back to top button
error: Content is protected !!