BHUJGUJARATKUTCH

આગામી રવિવારે NEETની પરીક્ષા યોજાશે પરીક્ષાર્થીઓ ભય વિના પરીક્ષા આપી શકે તે માટે જાહેરનામું જારી કરાયું 

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૧૮ જૂન : રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા આગામી તા.૨૧/૦૬/૨૦૨૬ના રોજ NEET(UG) પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા પ્રતિબંધાત્‍મક હુકમો જારી કરાયા છે.જિલ્લામાં આ નીટની પરીક્ષા, ઉમેદવારો અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વિના આપી શકે તથા પરીક્ષા સ્થળના સંચાલકશ્રીઓ અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વિના જાહેર પરીક્ષાનું સંચાલન કરી શકે તેમજ પરીક્ષા સમય દરમિયાન જાહેર વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તે હેતુથી તથા પરીક્ષા દરમિયાન ચોરીઓના દૂષણના કારણે તેજસ્વી પરીક્ષાર્થીઓના ભાવિ પર અસર ન પડે તે માટે કોપી રાઈટ/ડુપ્લીકેટ પ્રશ્નપત્રો કે તેના ઉત્તરો કોપીઈંગ મશીન દ્વારા ન થાય તથા પરીક્ષા ખંડમાં ન પહોંચે તે માટે પ્રતિબંધિત પગલાં લેવા જરૂરી છે.જેથી શ્રીપાર્થ કોટડીયા, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, કચ્છ-ભુજ‌એ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્લાની ઈન્દ્રાબાઇ ગર્લ્સ હાઈસ્કૂલ-ભુજ, આલ્ફ્રેડ હાઈસ્કૂલ-ભુજ, સરકારી હાઈસ્કૂલ, ગણેશનગર-ગાંધીધામ અને માઉન્ટ કાર્મેલ હાઈસ્કુલ-ગાંધીધામ પરીક્ષા કેન્દ્રોની બિલ્ડીંગના ૧૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારમાં તા.૨૧/૦૬/૨૦૨૬ (રવિવાર)ના સવારના ૮ કલાકથી સાંજના ૮ કલાક સુધી વિવિધ પ્રતિબંધ ફરમાવેલ છે.પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઈ પણ માર્ગ ઉપર ચોકમાં કે ગલીમાં ચાર કરતા વધારે લોકોએ એકઠા થવું નહીં, સરઘસો કાઢવા નહીં તેમજ મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવા નહીં. પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોપીઈંગ મશીન દ્વારા કોપીઓ કરવાનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ/કોપીઈંગ મશીન ધારકોએ તેઓના કોપીઈંગ મશીનો ચલાવવા નહીં કે કોઈપણ પત્રો, દસ્તાવેજો કે કાગળોની નકલો કરવી નહીં અને મશીનો બંધ રાખવા. પરીક્ષા કેન્દ્રો/બિલ્ડીંગોના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે જ પોલીસ કર્મચારીએ ઉભા રહી જે પરીક્ષાર્થી પાસે પ્રવેશિકા(રસીદ) હોય તે ચકાસીને જ માત્ર પરીક્ષાર્થીને જ પ્રવેશ આપવાનો રહેશે. પરીક્ષામાં રોકાયેલા કેન્દ્રના સંપાદકશ્રીઓ, બિલ્ડીંગના કન્ડક્ટરશ્રી, ખંડ નિરીક્ષકો, વહીવટી સેવામાં જેઓને ફરજ સોંપવામાં આવે છે તે વોટરમેન, બેલમેન કે જેઓને આયોગ દ્વારા ઓળખપત્ર આપવામાં આવેલ છે તે તપાસીને જ પ્રવેશ આપવાનો રહેશે. પોલીસ કર્મચારીએ પરીક્ષા કેન્દ્ર/બિલ્ડીંગના મુખ્ય પ્રવેશદ્વાર પાસે જ ફરજ બજાવવાની રહેશે. વર્ગખંડમાં પ્રવેશ કરવાનો રહેશે નહીં. પરીક્ષા કેન્દ્રોમાં કોઈપણ વ્યક્તિએ વાયરલેસ ડીવાઈસીસ જેવા કે બ્લુટૂથ, પેનકેમેરા, મોબાઈલ કે ઈન્ટરનેટ સાથે કનેક્ટેડ ઉપકરણો કે અન્ય કોઈ પણ ઈલેક્ટ્રોનિક સાધનો લઈ જવા નહીં.આ હુકમ પોતાના અંગત ઉપયોગ માટે કોપીઈંગ મશીનનો વપરાશ કરતી વ્યક્તિઓને તેમજ પોતાની ફરજની રૂએ કામ કરતી વ્યક્તિને એકત્રિત થવાની જોગવાઈ લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Back to top button
error: Content is protected !!