GANDHINAGARMORBIMORBI CITY / TALUKOWANKANER

GUJARAT:શાળા પ્રવેશોત્સવ વચ્ચે મોટો સવાલ: ઉત્સવની સફળતા માટે શિક્ષકોની ખાલી જ્ગ્યા ક્યારે પુરાશે?

 

GUJARAT:શાળા પ્રવેશોત્સવ વચ્ચે મોટો સવાલ: ઉત્સવની સફળતા માટે શિક્ષકોની ખાલી જ્ગ્યા ક્યારે પુરાશે?

 

રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત મંત્રીઓ, ધારાસભ્યો, પદાધિકારીઓ અને અધિકારીઓ શાળાઓમાં પહોંચી વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો આ પ્રયાસ નિઃસંદેહ આવકારદાયક છે. વિદ્યાર્થીઓમાં શિક્ષણનો ક્રેઝ વધે, ડ્રોપઆઉટનું પ્રમાણ ઘટે અને દરેક બાળક શાળામાં પહોંચે તે હેતુથી યોજાતા આવા કાર્યક્રમો શિક્ષણક્ષેત્ર માટે મહત્વપૂર્ણ ગણાય છે.પરંતુ બીજી તરફ અનેક સરકારી શાળાઓમાં શિક્ષકોની ગંભીર ઘટ હોવાની ફરિયાદો સતત ઉઠી રહી છે. ખાસ કરીને ધોરણ-1 થી 3 સુધીના વિદ્યાર્થીઓને એક જ શિક્ષક દ્વારા એકસાથે અનેક વર્ગો ભણાવવાની સ્થિતિ સર્જાઈ છે. બાળશિક્ષણના પાયાના વર્ષોમાં આવી પરિસ્થિતિ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ચિંતાજનક ગણાય.વાંકાનેર વિસ્તારમાં જ અંદાજે 250થી વધુ શિક્ષકોની ખાલી જગ્યાઓ હોવાનું શિક્ષણપ્રેમી વર્ગમાં ચર્ચાઈ રહ્યું છે. જો એક તાલુકામાં આ સ્થિતિ હોય તો સમગ્ર મોરબી જિલ્લામાં અને રાજ્યભરમાં શિક્ષકોની કુલ ઘટ કેટલી હશે તેનો સહજ અંદાજ લગાવી શકાય. શિક્ષણની ગુણવત્તા વધારવાની વાતો સાથે શિક્ષકોની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી પણ એટલી જ જરૂરી છે.

વિદ્યાર્થીઓને માત્ર પાઠ્યપુસ્તકો જ નહીં પરંતુ ગુણવત્તાયુક્ત શિક્ષણ, પૂરતા શિક્ષકો, આધુનિક કોમ્પ્યુટર લેબ, સ્વચ્છ પીવાનું પાણી, પૂરતી વીજળી, ડિજિટલ સાધનો, રમતગમતની સુવિધાઓ અને અભ્યાસને અનુકૂળ વાતાવરણ પણ મળવું જોઈએ. શિક્ષણમાં ક્રાંતિ લાવવી હોય તો શાળાઓના પાયાના પ્રશ્નોનું નિરાકરણ પ્રથમ પ્રાથમિકતા બનવું જોઈએ.

દુઃખદ બાબત એ પણ છે કે શિક્ષકોની ઘટ અને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ જેવા મુદ્દાઓ પર વિરોધ પક્ષ તરફથી પણ પૂરતો અવાજ ઉઠતો જોવા મળતો નથી. પરિણામે શિક્ષણના મૂળ પ્રશ્નો કરતાં કાર્યક્રમોની પ્રસિદ્ધિ વધુ ચર્ચામાં રહેતી હોવાનું શિક્ષક વર્ગ અને બુદ્ધિજીવીઓમાં ચર્ચાઈ રહ્યું છે.

શાળા પ્રવેશોત્સવનો સાચો અર્થ ત્યારે જ સાકાર થશે જ્યારે દરેક બાળકને યોગ્ય શિક્ષક, પૂરતી શૈક્ષણિક સુવિધાઓ અને ગુણવત્તાસભર શિક્ષણ ઉપલબ્ધ થશે. સરકાર, શિક્ષણ વિભાગ, જનપ્રતિનિધિઓ અને સમાજના તમામ વર્ગોએ મળીને શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવા, શાળાઓમાં જરૂરી માળખાકીય સુવિધાઓ ઉભી કરવા અને વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ વ્યવસ્થા મજબૂત બનાવવા દિશામાં અસરકારક પગલાં ભરવાની જરૂર છે.શિક્ષણનો ઉત્સવ માત્ર પ્રવેશ સુધી સીમિત ન રહે, પરંતુ દરેક વિદ્યાર્થીને શ્રેષ્ઠ શિક્ષણ મળે તે દિશામાં પરિવર્તનનો આધારસ્તંભ બને, એ જ સમયની માંગ છે.

“પ્રવેશોત્સવની ઉજવણી વચ્ચે શિક્ષકોની ઘટનો સવાલ: શિક્ષણની ક્રાંતિ માટે ખાલી જગ્યાઓ ભરવી સમયની માંગ”

Back to top button
error: Content is protected !!