
કલેકટર શ્રી યોગેશ ચૌધરી આજે કેશોદ તાલુકાના ચાર ગામે નાના ભૂલકાઓને હર્ષોલ્લાસ સાથે શાળા પ્રવેશ કરાવ્યો હતો. સાથે જ શિક્ષણ ક્ષેત્રે પ્રથમ ડગ માંડવા જતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરીને પ્રોત્સાહિત કર્યા હતા. ધારાસભ્ય દેવાભાઈ માલમની પ્રેરક ઉપસ્થિતિમાં ચર હાઇસ્કુલ ખાતે આંગણવાડીમાં ૦૪ અને પીએમ શ્રી ચર પ્રાથમિક શાળાની બાલવાટિકામાં ૨૭ ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવાયો હતો. ઉપરાંત ધોરણ ૯માં ૨૬ અને ધોરણ- ૧૧માં પણ ૨૮ વિદ્યાર્થીઓનું નામાંકન થયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ સંદર્ભે શાળા પ્રવેશ કરવા જતા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટેનો શુભેચ્છા સંદેશનું પઠન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી યોગેશ ચૌધરીએ વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડતા જણાવ્યું હતું કે, શિક્ષણ માત્ર નોકરી મેળવવા માટે જરૂરી નથી. પરંતુ ચરિત્ર ઘડતરની સાથે જીવનમાં નવા આયામો સાથે સંપૂર્ણ અને સાર્થક જીવન જીવવા માટે જરૂરી છે. વિદ્યાર્થીઓના માર્ક્સ ઓછા હોય તે ચાલશે, પણ તેમનો આત્મવિશ્વાસ ક્યારેય ઓછો ન થવો જોઈએ. વિદ્યાર્થી વિશ્વના કોઈપણ ખૂણામાં જાય ત્યારે પાછો ન પડે તે માટે આત્મવિશ્વાસ ખૂબ જરૂરી છે. તેમણે ઉમેર્યું કે, વાંચવું, લખવું, ગણિત વગેરે વિષયનું જ્ઞાન એ ન્યૂનતમ જરૂરિયાત છે. પણ વિદ્યાર્થી નવા પડકારોનો સામનો કરવા સજ્જ બને તે વધુ મહત્વનું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વિદ્યાર્થીના ઘડતરમાં વાલીની સાથે શિક્ષકોની પણ મહત્વપૂર્ણ ભૂમિકા છે. વિદ્યાર્થીનો વિશ્વાસ પણ શિક્ષકો પર વધુ હોય છે અને તેમને અનુસરતા પણ હોય છે. જિલ્લા કલેક્ટરશ્રીએ વિદ્યાર્થીઓમાં અન્ય વ્યસનોની સરખામણીએ મોબાઈલનું વ્યસન વધુ હાનિકારક ગણાવી વિદ્યાર્થીઓને મોબાઈલથી દૂર રહી રચનાત્મક પ્રવૃત્તિમાં વધુ જોડાવવા અને પોષણના સંદર્ભમાં પેકેટ્સ ફૂડની વસ્તુઓથી દૂર રહેવા પણ અનુરોધ કર્યો હતો. અંતમાં રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં ભાવિ પેઢી એવા વિદ્યાર્થીઓને યોગદાન આપવા પ્રેરણા પૂરી પાડી હતી.આ પ્રસંગે મહાનુભાવોએ NMSS અને CET પરીક્ષામાં સફળતા મેળવનાર અને જુદા જુદા ધોરણમાં ટોચનું સ્થાન હાંસલ કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે માર્ગ સલામતી માટે ટ્રાફિક નિયમોના પાલનના પણ શપથ લેવડાવવામાં આવ્યા હતા, વિદ્યાર્થીની કૃપાલીએ પર્યાવરણના જતન સંરક્ષણ માટે ટેકનોલોજીના ઉપયોગ વિશે પ્રેરક વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય શ્રીમતી વંદનાબેન મકવાણા, જિલ્લા પંચાયતના સદસ્ય અશ્વિનભાઈ ખટારીયા, મામલતદાર સંદીપ મહેતા ગામ અગ્રણી કરમણભાઇ મુછાળ, એસએમસીના અધ્યક્ષ મોહનભાઈ મારુ, શિક્ષણ વિભાગના ભરતભાઈ નંદાણીયા સહિતના પદાધિકારી અધિકારી ઉપરાંત શાળાના આચાર્ય શિક્ષકો અને વાલીગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ 





