BHUJGUJARATKUTCH

મહાનુભાવોના હસ્તે આંગણવાડી, બાલવાટિકા, ધોરણ ૯ના બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ કરાવાયો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૨૩ જૂન : ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ની થીમ સાથે રાજ્યભરમાં આજથી ત્રિ – દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૬ પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત આજરોજ કચ્છ જિલ્લામાં પણ ઉલ્લાસભેર શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો પ્રારંભ થયો હતો. જે અંતર્ગત અંજાર ખાતે ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળા ખાતે આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ ૧ તેમજ ધોરણ – ૯ના ભૂલકાંઓ તેમજ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શાળામાં ઉલ્લાસભેર પ્રવેશ કરાવાયો હતો. પ્રગતિના પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૬ અન્વયે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે રાજ્યના તત્કાલીન મુખ્ય અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કન્યા કેળવણી તેમજ પ્રવેશોત્સવના બીજનું વાવેતર કર્યું હતું, આજે તે વટવૃક્ષ બની ગયો છે. છેલ્લા બે દાયકાથી વધુ સમયથી ઉજવાતા આ કાર્યક્રમથી સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા તેમજ સુવિધાઓના કારણે શિક્ષણનું સ્તર વધ્યું છે, સાથે બાળકોને સવાઁગી વિકાસ થયો છે. જેમાં સૌથી વધુ કન્યા કેળવણીમાં સુધારો થયો છે. તેમણે આ તકે, જ્ઞાનના ક્ષેત્રમાં કદમ મૂકતાં ભૂલકાંઓને ભવિષ્યમાં ઉન્નત જીવનના આશીર્વાદ આપતા શિક્ષણ જીવનમાં દીવાદાંડી બને એવી કામના વ્યક્ત કરી હતી. વધુમાં તેમણે, ૨૦૪૭ સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા શિક્ષણની જરૂરિયાત પર ભાર મુકતા વાલીઓને બાળકોને પૂર્ણ શિક્ષણ અપાવવા તથા આ માટે સરકારની શૈક્ષણિક યોજનાઓ લાભ લેવા માટે ખાસ અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. જેના અંતર્ગત જ કચ્છને સૌથી વધુ નવી માધ્યમિક સ્કૂલોની મંજૂરી તેમજ અંજારમાં ત્રણ નવી સરકારી કોલેજોની ભેટ પ્રાપ્ત થઈ છે .શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૬ અંતર્ગત રાજ્યમંત્રી એ પ્રથમ અંજાર નગર પ્રાથમિક શાળા.14 ખાતે તેમજ સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલ ખાતે આયોજીત કાર્યક્રમમાં કુલ 10 સ્કૂલના આંગણવાડી, બાલવાટિકા તેમજ ધોરણ ૯ના બાળકોને પ્રવેશ કરાવ્યો હતો. જેમાં આંગણવાડી પ્રવેશ મેળવેલ 11 બાળકો,બાલવાટિકામાં નવો પ્રવેશ મેળવેલ 153 બાળકો, ધોરણ. 1 માં નવો પ્રવેશ મેળવેલા 80 બાળકો, ધોરણ. 9 માં પ્રવેશ મેળવેલ 247 બાળકો,ધોરણ. 11 માં પ્રવેશ મેળવેલ 50 બાળકોનો સમાવેશ થાય છે.આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરી, શાળા પરિસરની મુલાકાત કરવામાં આવી હતી તેમજ તેજસ્વી વિધાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે બાળકો માટેની વાહન સુવિધાને પણ રાજ્યમંત્રી એ લીલીઝંડી આપી હતી.આ તકે અંજાર નગરપતિ ધર્મિષ્ઠાબેન ખાંડેકા, નગરપાલિકા ઉપપ્રમુખ પરેશભાઈ માલસતર, સંત ત્રિકમદાસજી, સંત કીર્તિદાસજી, પ્રાંત અધિકારી સુરેશ ચૌધરી, જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર, કારોબારી ચેરમેન પ્રકાશ લોદરીયા, સુરેશભાઈ ટાંક, હિતેનભાઈ વ્યાસ, ક્રિપાલસિંહ રાણા, અશ્વિનભાઈ સોરઠીયા, ડેનીભાઈ શાહ, બલરામભાઈ જેઠવા, રામજીભાઈ ધેડા સહિતના અગ્રણીઓ, નગર સેવકો, વાલીઓ, એસ.એમ.સીના સભ્યો સહિત શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

૦૦૦૦

Back to top button
error: Content is protected !!