KHERGAMNAVSARI

ખેરગામના વાડ ગામે ગૌચરની જમીનમાં ‘લો કોલેજ સ્થાપવા સામે વિરોધ

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

ખેરગામ તાલુકાના વાડ ગામના ગ્રામજનોએ ગામની ગૌચર જમીનમાં પ્રસ્તાવિત લો કોલેજની સ્થાપના સામે વાંધો ઉઠાવી મામલતદાર અને પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર સરકાર દ્વારા તાજેતરમાં ખેરગામ ખાતે નવી લો કોલેજ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે અને તેના માટે હાલમાં તજવીજ પણ શરૂ કરવામાં આવી છે. જોકે કોલેજ માટે પસંદ કરવામાં આવેલી જમીન અંગે સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, વાડ ગામના ખાતા નં.૬૮૫ અને બ્લોક નં.૨૨૫ વાળી જમીન વર્ષોથી ગોચર તરીકે અનામત રાખવામાં આવી છે. આ આદિવાસી અને ગ્રામીણ વિસ્તારના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. છેલ્લાં ૧૦૦ વર્ષ કરતાં વધુ સમયથી બાપ-દાદાઓના વખતથી ગામના પશુપાલકો ગાય, ભેંસ અને બકરાં જેવાં દૂધાળા પશુઓને આ જમીન પર ચરાવીને પોતાની આજીવિકા ચલાવે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે પ્રસ્તાવિત ગોચરની આજુબાજુ આદિવાસીઓની (૭૩એએ) ખેતીવિષયક જમીનો આવેલી છે, જે પણ તેમનું એકમાત્ર આજીવિકાનું સાધન છે. આ કારમી મોંઘવારીના સમયમાં જો ગોચરની જમીન કોલેજ જેવી સંસ્થાને ફાળવી દેવામાં આવશે, તો પશુઓ માટે ઘાસચારો મેળવવો અશક્ય બની જશે. તેનાથી સ્થાનિક ખેડૂતો અને પશુપાલકોને ભયંકર આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવશે.ગામના અસ્તિત્વ અને પશુઓના હિત માટે આ જગ્યાએ લો કોલેજ ન બનાવવામાં આવે તેવી ગ્રામજનોએ સખત શબ્દોમાં રજૂઆત કરી છે.વાડ ગામના ગ્રામજનોએ રજૂઆતમાં સ્પષ્ટ જણાવ્યું છે કે ગૌચર જમીનમાં લો કોલેજની સ્થાપના કરવામાં આવશે તો તે અંગે તેમનો સખત વિરોધ રહેશે. હવે વહીવટી તંત્ર દ્વારા આ રજૂઆતને ધ્યાને લઈ શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સ્થાનિકોની નજર મંડાયેલી છે.

Back to top button
error: Content is protected !!