
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

શિક્ષણને પ્રોત્સાહન આપવા અને વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે વધુ ઉત્સાહ જાગૃત કરવા માટે શ્રી શકરપુર લેઉવા પાટીદાર વિદ્યોત્તેજક મંડળ, શ્રી શકરપુર એકડા પંચ ખંભાત દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ રૂપે ડાયરા બેગ અને બોલપેનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય અને શિક્ષણલક્ષી પહેલ હેઠળ પાલધર વિસ્તારના અનેક વિદ્યાર્થીઓને લાભ મળ્યો હતો.
રવિવારના રોજ તા. 21/06/2026 ના રોજ શ્રી લેઉવા પાટીદાર પટેલ સમાજ, વાંસદાના સમાવિષ્ટ પાલધર વિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમમાં સમાજના ઉપપ્રમુખ પિયુષભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ડાયરા બેગ અને બોલપેનનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેને વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ હર્ષભેર સ્વીકાર્યું હતું.
આ પ્રસંગે સમાજના આગેવાનો અને કમિટી સભ્યો કમલેશ પટેલ, ભુપેન્દ્ર પટેલ, કલ્પેશ પટેલ, નિલેશ પટેલ, ભીખાભાઈ પટેલ, હાર્દિક પટેલ, આશિષ પટેલ તથા સંજય પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજના વિકાસનું સૌથી શક્તિશાળી સાધન છે અને વિદ્યાર્થીઓને જરૂરી શૈક્ષણિક સામગ્રી પૂરી પાડવાથી તેમના અભ્યાસમાં નવી ઉર્જા અને પ્રેરણા મળે છે. સમાજ દ્વારા કરવામાં આવતી આવી પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે.
શ્રી લેઉવા પાટીદાર પટેલ સમાજ, વાંસદા અને પાલધરના આગેવાનોએ આ સેવાકીય કાર્ય માટે શ્રી શકરપુર લેઉવા પાટીદાર વિદ્યોત્તેજક મંડળ, શ્રી શકરપુર એકડા પંચ ખંભાતનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ ભવિષ્યમાં પણ સમાજના વિદ્યાર્થીઓને આવો સહકાર અને પ્રોત્સાહન મળતું રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો, જેમાં વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી અને નવી આશાઓ સ્પષ્ટપણે જોવા મળી હતી.




