
ખરોડ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ ઉમંગભેર ઉજવાયો, નવપ્રવેશી વિદ્યાર્થીઓનું કરાયું સ્વાગત

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ખરોડ ગામ સ્થિત પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ અંતર્ગત ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ નિતીનભાઈ પટેલ, વિજાપુર યુજીવીસીએલના નાયબ ઈજનેર આર.કે. પટેલ, ગામના સરપંચ ધીરૂભાઈ ચૌહાણ, તાલુકા પંચાયતના સભ્ય અશોકજી ઠાકોર, પૂર્વ સરપંચ મહેશજી ઠાકોર, પૂર્વ ઉપસરપંચ મણિલાલ પ્રજાપતિ સહિત આગેવાનો, શિક્ષણપ્રેમીઓ, વાલીગણ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન આંગણવાડી, બાલવાટિકા, ધોરણ-૧ તથા ધોરણ-૮માં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું કંકુ-તિલક કરી તેમજ શાળા કીટ અર્પણ કરીને ઉમંગભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. નાના ભૂલકાઓના ચહેરા પરનો ઉત્સાહ અને આનંદ સમગ્ર કાર્યક્રમનું આકર્ષણ બન્યો હતો.
મહેમાનોએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે બાળકના જીવનમાં શિક્ષણનો પાયો જેટલો મજબૂત હશે, તેટલું તેનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. વિદ્યાર્થીઓ રાષ્ટ્રના સશક્ત અને જવાબદાર નાગરિક તરીકે વિકસે તે માટે શિક્ષણ ક્ષેત્રે સૌએ સંકલ્પબદ્ધ થવાની જરૂરિયાત છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સૌને શિક્ષણ, શ્રેષ્ઠ શિક્ષણ’ના સંકલ્પને સાકાર કરવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું જણાવાયું હતું. શિક્ષણના આ પાવન યજ્ઞમાં સમાજના દરેક વર્ગે સહભાગી બની બાળકોના સર્વાંગી વિકાસ માટે યોગદાન આપવાની અપીલ કરવામાં આવી હતી.




