ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારના વલણની આકરી ટીકા કરી

કચ્છના નડાબેટ તેમજ નળ સરોવર અને થોળ જેવા ઇકો-સેન્સિટિવ ઝોનમાં પ્લાસ્ટિક વેસ્ટના કારણે વિદેશી પક્ષીઓ આવતા બંધ થઈ ગયા હોવા અંગે કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL)ની સુનાવણી વખતે આજે(3 જુલાઈ) ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારના વલણની આકરી ટીકા કરી હતી. હાઇકોર્ટે સરકારને આકરા શબ્દોમાં કહ્યું કે, ‘છેલ્લા પાંચ-પાંચ મહિનાથી કોર્ટ આદેશ કરે છે તેમ છતાં તમે કોર્ટના આદેશનું પાલન કરતા નથી. છેલ્લા છ મહિનાથી માત્ર જવાબ રજૂ કરવા માટે સમય જ માગવામાં આવી રહ્યો છે.’
આ દરમિયાન હાઇકોર્ટે કડક વલણ અપનાવતા ઉમેર્યું કે, ‘સરકારી વિભાગો માત્ર એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે. તમને શું તકલીફ છે તે જાણવામાં કોર્ટને કોઈ રસ નથી. કોર્ટના નિર્દેશોનું પાલન કેમ નથી કરાયું, તેનો સીધો જવાબ આપો. કોર્ટ 5 મહિના સુધી વિનંતી કરે ત્યારે માંડ સરકાર સોગંદનામું (Affidavit) કરે છે અને તેમાં પણ પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવા શું પગલાં લીધા તેની કોઈ સ્પષ્ટતા હોતી નથી. આ વલણ બિલકુલ યોગ્ય નથી.’
હાઇકોર્ટે આકરી ઝાટકણી કાઢતા કહ્યું કે, ‘સેન્ચ્યુરીની કાળજી લેવાની પ્રાથમિક ફરજ સરકારની છે. તમે કુદરતી ખજાનાને પણ સાચવી શકતા નથી અને કોર્ટે તમને વારંવાર તમારી ફરજ યાદ અપાવવાની ન હોય.’ એટલું જ નહીં, હાઇકોર્ટે સવાલ કર્યો કે, ‘સ્ટેટ લેવલ મોનિટરિંગ કમિટીએ હજુ સુધી કેમ સોગંદનામું ફાઈલ કર્યું નથી?’
કોર્ટે ફોરેસ્ટ કન્ઝર્વેટર ઓફિસર, GPCB (ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ) અને સ્ટેટ મોનિટરિંગ કમિટીને સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ જ યોગ્ય જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. હાઇકોર્ટે ટકોર કરી છે કે, ‘આ કેસમાં તમામ પક્ષકારોએ સોગંદનામું કરવું પડશે, જેની વધુ સુનાવણી આગામી સપ્તાહ પર મુકરર કરવામાં આવી છે.’
બીજી તરફ, સરકારે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે આ બાબતે એક ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરવામાં આવી છે અને નળ સરોવરમાં નર્મદાનું પાણી પ્રવાહિત કરવામાં આવી રહ્યું છે.
નોંધનીય છે કે, અગાઉની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે નળ સરોવર અને અન્ય સાઇટ્સ માટે કેટલાક મહત્ત્વના નિર્દેશો આપ્યા હતા, જેમાં નીચેની મહત્ત્વની બાબતો સામેલ છે.
- નળ સરોવરના ઇકો-સેન્સિટિવ ઝોનમાં પ્લાસ્ટિકની બોટલો, થેલીઓ, નાસ્તાના પડીકા અને ગુટખા સહિતના તમામ પ્રકારના પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો.
- નળ સરોવર (રામસર સાઇટ)માં બોટ ચાલકો માટે લાયસન્સ અને યુનિફોર્મ ફરજિયાત કરવા.
- પ્રવાસીઓના ખાવા-પીવા માટે મુખ્ય વેટલેન્ડથી દૂર અલગ ઝોન બનાવવો. મુખ્ય વેટલેન્ડ વિસ્તારમાં ખોરાક લઈને પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકવો.
- નળ સરોવર વિસ્તારમાં ગેરકાયદે માછીમારી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો અને તેના કડક અમલીકરણ માટે ચેકપોઇન્ટ્સ ગોઠવવા.






