MORBI:મોરબી ખેડૂત આંદોલનમાં ટ્વિસ્ટ: વાયરલ ઓડિયો બાદ નિલેશ એરવાડિયાનો દાવો– “મને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ રહી છે”




MORBI:મોરબી ખેડૂત આંદોલનમાં ટ્વિસ્ટ: વાયરલ ઓડિયો બાદ નિલેશ એરવાડિયાનો દાવો– “મને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ રહી છે”

મોરબીમાં છેલ્લા 17 દિવસથી ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં આજે એકાએક નવો વણાંક આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. આંદોલન વચ્ચે જ હકાભા ગઢવી અને ઉપવાસી નિલેશ એરવાડિયા વચ્ચેની એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેના કારણે આંદોલન મોખરે છે કે પછી તેની આડમાં કોઈ રમત રમાઈ રહી છે તેને લઈને અનેક સવાલો ઊભા થયા છે.

વાયરલ થયેલી આ કથિત ઓડિયો ક્લિપમાં સરકાર સાથે મુલાકાત કરવા માટે રૂ. 2 કરોડના સોદાની ચર્ચા થતી હોવાનું સંભળાય છે.ઓડિયોમાં નિલેશ એરવાડિયાના કથિત અવાજમાં સરકારને મળવા જવા માટે રૂ. 2 કરોડની રકમ નક્કી કરવાની વાત છે, જેમાં તેમાંથી રૂ. 1 કરોડ પોતાની પાસે રાખવા અને બાકીના રૂ. 1 કરોડ હકાભા ગઢવીને આપવાની ઓફર કરાય છે.

સામે પક્ષે હકાભા ગઢવીના કથિત અવાજમાં એવું સાંભળવા મળે છે કે, “મારે પૈસા નથી જોઈતા, મારે જશ જોઈએ છે.”જો કે, આ ઓડિયો ક્લિપ કેટલી સાચી છે અને કેટલી ખોટી, તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.નિલેશ એરવાડિયાની સ્પષ્ટતા: “આંદોલન તોડવા ભાજપ અને માફિયાઓનું કાવતરું”
આ ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ આંદોલનકારી નિલેશ એરવાડિયાએ મીડિયા સમક્ષ આવીને હકાભાના તમામ આક્ષેપોને સખત શબ્દોમાં ફગાવી દીધા છે. તેમણે સામો વળતો પ્રહાર કરતા ગંભીર આક્ષેપો કર્યા છે કે:છેલ્લા 10 દિવસથી અજાણ્યા ચહેરાઓ, માફિયાઓ અને ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા આ ખેડૂત આંદોલનને વિખેરવાના સતત પ્રયાસો થઈ રહ્યા છે.

આંદોલન સમેટી લેવા માટે શરૂઆતમાં રૂ. 2 થી 5 કરોડની લાલચ આપવામાં આવી હતી, જે ઓફર વધીને હવે રૂ. 20 થી 25 કરોડ સુધી પહોંચી ગઈ છે.ભાજપ સરકાર ખેડૂતોને કંઈ આપવા માંગતી ન હોવાથી આંદોલન ડામવા માટે સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી રહી છે.”મને ટાંટિયા તોડી નાખવાની અને એન્કાઉન્ટર કરી જાનથી મારી નાખવાની ધમકીઓ અપાઈ રહી છે.”– નિલેશ એરવાડિયા નિલેશ એરવાડિયાએ આશંકા વ્યક્ત કરી છે કે આગામી દિવસોમાં તેમના પર ખોટા કેસો થઈ શકે છે અથવા તો તેમની હત્યાનો પ્રયાસ પણ થઈ શકે છે. પાંચ દિવસ પહેલા જ તેમને એન્કાઉન્ટર કરી દેવાની ધમકી મળી હોવાનો પણ તેમણે દાવો કર્યો છે. આ ગંભીર ભયને પગલે તેઓ આજે બપોર પછી મોરબી એસપી (SP) ને લેખિત અરજી કરીને પોતાના માટે પોલીસ પ્રોટેક્શન માંગવાના છે.ગુજરાતના તમામ ખેડૂતોનું વ્યાપક સમર્થન મળતા સરકાર પર દબાણ વધ્યું છે અને ગઈકાલે જ આ મુદ્દે ગાંધીનગરમાં ચર્ચા થઈ હોવાના અહેવાલ છે. પરંતુ આ વાયરલ ઓડિયોએ ખેડૂતો અને જનતામાં મોટું આશ્ચર્ય અને સસ્પેન્સ સર્જ્યું છે કે આ ખરેખર આંદોલન તોડવાનું કોઈ કાવતરું છે કે પછી ખેડૂતોના નામે સોદાબાજી થઈ રહી છે?



