MORBI:મોરબીના જેતપર આંદોલનને લઈને હકાભા ગઢવી અને નિલેશ એરવાડિયા સામસામે: હકાભાના ઘરે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત.




MORBI:મોરબીના જેતપર આંદોલનને લઈને હકાભા ગઢવી અને નિલેશ એરવાડિયા સામસામે: હકાભાના ઘરે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત.


જેતપર આંદોલનને લઈને છેલ્લા કેટલાક સમયથી હકાભા ગઢવી અને નિલેશ એરવાડિયા વચ્ચેનો ગજગ્રાહ ચરમસીમાએ પહોંચ્યો છે. બંને આગેવાનો વચ્ચે ચાલી રહેલા ગંભીર આક્ષેપ-પ્રતિઆક્ષેપો અને વિવાદોને પગલે હળવદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે તંત્ર એક્શનમાં આવ્યું છે. અગમચેતીના ભાગરૂપે હળવદની વૃંદાવન સોસાયટી સ્થિત હકાભા ગઢવીના નિવાસસ્થાને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ વિવાદમાં આજે એક નવો જ વળાંક આવ્યો છે, જેણે સ્થાનિક રાજકારણ અને સામાજિક વર્તુળોમાં ભારે ચકચાર જગાવી દીધી છે. હકાભા ગઢવીએ આજે મીડિયા સમક્ષ એક સનસનાટીભર્યો ખુલાસો કરતા જણાવ્યું છે કે, નિલેશ એરવાડિયા દ્વારા તેમની પાસે રૂપિયા બે કરોડની માંગણી કરવામાં આવી હતી. આ ખુલાસા બાદ બંને પક્ષો વચ્ચેનો મામલો વધુ ગરમાયો છે.

ઉલ્લેખનીય છે કે, જેતપર આંદોલનની શરૂઆતથી જ બંને આગેવાનો અલગ-અલગ મુદ્દે સામસામે આવી ગયા છે. એકતરફ આંદોલનની દિશા અને બીજી તરફ કરોડો રૂપિયાની લેતીદેતીના આક્ષેપોને કારણે મામલો બિચક્યો છે.હાલ તો હળવદ પોલીસનો મોટો કાફલો વૃંદાવન સોસાયટીમાં તૈનાત કરી દેવાયો છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. આગામી સમયમાં આ મામલે પોલીસ ફરિયાદ કે અન્ય કોઈ કાનૂની કાર્યવાહી થાય છે કે કેમ, તેના પર સૌની મીટ મંડાયેલી છે.



