
ડેડીયાપાડા ના કનબુડી ગામે ‘આત્મા’ પ્રોજેક્ટ દ્વારા ખેડૂત-વૈજ્ઞાનિક ગોષ્ઠી યોજાઈ*

તાહિર મેમણ – ડેડીયાપાડા – 04/07/2026 – નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના કનબુડી ગામે ‘આત્મા’ પ્રોજેક્ટ દ્વારા ખેડૂત-વૈજ્ઞાનિક ગોષ્ઠીનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને કૃષિ ક્ષેત્રે થઈ રહેલા નવા સંશોધનો, આધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ અંગે માહિતગાર કરી ઉત્પાદન વધારવા તેમજ આર્થિક રીતે વધુ સમૃદ્ધ બનવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો.
ગોષ્ઠી દરમિયાન કૃષિ નિષ્ણાતોએ બદલાતા હવામાનને ધ્યાનમાં રાખીને પાક વ્યવસ્થાપન, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવાની આધુનિક તકનીકો, સેન્દ્રીય અને પ્રાકૃતિક ખેતીનું મહત્વ તેમજ ટપક સિંચાઈ પદ્ધતિના લાભો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત, વૈજ્ઞાનિકોએ ખેડૂતોને પરંપરાગત ખેતીની સાથે બજારની માંગને અનુરૂપ રોકડિયા પાકો અને શાકભાજીની વૈજ્ઞાનિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં યોજાયેલા પ્રશ્નોત્તરી સત્રમાં ખેડૂતોએ પાકમાં થતા રોગ-જીવાત, તેના નિયંત્રણ તેમજ ખેતી સંબંધિત વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. કૃષિ વૈજ્ઞાનિકોએ ખેડૂતોના પ્રશ્નોના સરળ, વ્યવહારુ અને વૈજ્ઞાનિક ઉપાયો સ્થળ પર જ સમજાવી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ પ્રસંગે વિસ્તારના પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના સફળ કૃષિ પ્રયોગો અને અનુભવો અન્ય ખેડૂતો સાથે શેર તેમને નવીન ખેતી પદ્ધતિઓ અપનાવવા પ્રેરિત કર્યા હતા.
‘આત્મા’ પ્રોજેક્ટના અધિકારીઓએ ખેડૂતોને કૃષિ વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવતી વિવિધ સહાય યોજનાઓ, સબસિડી અને લાભકારી કાર્યક્રમોની વિસ્તૃત માહિતી પણ આપી હતી.
કાર્યક્રમમાં વિવિધ કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના કૃષિ વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો, વિસ્તારના પ્રગતિશીલ ખેડૂતો તેમજ આસપાસના ગામોના મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.



