
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

યુવક સામે પોલીસની તાત્કાલિક કાર્યવાહી, પરંતુ સુરક્ષાની જવાબદારી ધરાવતા બોટિંગ સંચાલકો સામે હજુ સુધી મૌન કેમ? હરણી લેક દુર્ઘટના બાદ પણ તંત્રે કંઈ શીખ્યું નથી?
ડાંગ જિલ્લા કલેક્ટર દ્વારા જળાશયો અને જોખમી સ્થળોએ પ્રતિબંધનું જાહેરનામું જાહેર કરવામાં આવ્યું અને એ જ દિવસે સાપુતારાના સર્પગંગા તળાવમાં બોટિંગ દરમિયાન એક પ્રવાસી યુવક ઊંડા પાણીમાં કૂદી જીવલેણ સ્ટંટ કરે છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ સમગ્ર ઘટના બોટિંગ સંચાલકોની હાજરીમાં બની હોવાનું સામે આવ્યું છે. પ્રશ્ન એ છે કે સુરક્ષાના તમામ નિયમો કાગળ પર જ છે કે ખરેખર તેનો અમલ પણ થાય છે?
મહારાષ્ટ્રથી પરિવાર સાથે આવેલા યુવકે ચાલુ બોટમાંથી અચાનક તળાવમાં ડૂબકી મારી અને ફરી બોટમાં ચડી ગયો. ગાઢ ધુમ્મસ અને ઊંડા પાણી વચ્ચે થયેલી આ ઘટના કોઈપણ ક્ષણે જીવલેણ અકસ્માતમાં ફેરવાઈ શકતી હતી. જો યુવક ડૂબી ગયો હોત અથવા અન્ય મુસાફરોને નુકસાન પહોંચ્યું હોત તો જવાબદારી કોણ લેત?
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સાપુતારા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને યુવકને કસ્ટડીમાં લીધો અને જાહેરનામાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી. પરંતુ સૌથી મોટો સવાલ હજુ પણ જવાબ માંગે છે—માત્ર સ્ટંટ કરનાર જ દોષિત છે કે સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી ધરાવતા બોટિંગ ઇજારદારો અને સંચાલકોની ભૂમિકાની પણ તપાસ થશે?
રાજ્યમાં હરણી લેક દુર્ઘટના બાદ સરકારે બોટિંગ માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી હતી. લાઇફ જેકેટ, મુસાફરો પર સતત દેખરેખ, જોખમી વર્તન અટકાવવાની જવાબદારી અને સલામતીના નિયમોનું કડક પાલન ફરજિયાત બનાવાયું હતું. છતાં સાપુતારામાં અગાઉ પણ બોટિંગ દરમિયાન સ્ટંટના વીડિયો વાયરલ થઈ ચૂક્યા છે. જો વારંવાર આવી ઘટનાઓ બનતી હોય તો દેખરેખ રાખતી જવાબદાર એજન્સીઓ શું કરી રહી છે?
સ્થાનિકોમાં ચર્ચા છે કે સર્પગંગા તળાવમાં બોટિંગ દરમિયાન નિયમોના અમલ અંગે નિયમિત ચકાસણી થાય છે કે નહીં? શું દરેક બોટમાં સુરક્ષાના નિયમોનું પાલન થાય છે? મુસાફરોને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવે છે? અને સૌથી અગત્યનો પ્રશ્ન—પ્રવાસી બોટમાંથી કૂદી શકે એટલી છૂટ કેવી રીતે મળી?
ડાંગમાં ચોમાસાની સિઝન દરમિયાન હજારો પ્રવાસીઓ સાપુતારાની મુલાકાતે આવે છે. આવી સ્થિતિમાં સુરક્ષા વ્યવસ્થામાં એક પણ બેદરકારી મોટી દુર્ઘટનામાં ફેરવાઈ શકે છે. સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે માત્ર યુવક સામે કાર્યવાહી કરીને જવાબદારી પૂર્ણ થતી નથી. સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરીને બોટિંગ ઇજારદારો, સંચાલકો અને સંબંધિત અધિકારીઓની જવાબદારી પણ નક્કી કરવી જોઈએ.
હવે નજર જિલ્લા વહીવટીતંત્ર પર છે. શું તંત્ર વાયરલ વીડિયો અને ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બોટિંગ સંચાલકો સામે પણ કડક પગલાં ભરશે કે પછી ફરી એકવાર કાર્યવાહી માત્ર પ્રવાસી પૂરતી જ સીમિત રહી જશે? જો આજે પણ જવાબદારો સામે પગલાં નહીં લેવાય તો આવતીકાલે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેનો જવાબ કોણ આપશે?




