સુરેન્દ્રનગર જિલ્લામાં સહકાર સપ્તાહ અંતર્ગત હાથવણાટ મંડળીઓ અને ઓડિટરો સાથે સમીક્ષા બેઠકો યોજાઈ
વિશેષ ઓડિટ કેમ્પ અંતર્ગત ૨૫ ઔદ્યોગિક મંડળીઓ સહિત જિલ્લાની કુલ ૯૦ સહકારી મંડળીઓનું ઓડિટ પૂર્ણ

તા.05/07/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
વિશેષ ઓડિટ કેમ્પ અંતર્ગત ૨૫ ઔદ્યોગિક મંડળીઓ સહિત જિલ્લાની કુલ ૯૦ સહકારી મંડળીઓનું ઓડિટ પૂર્ણ, સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ, સુરેન્દ્રનગર દ્વારા સહકારી સપ્તાહ અંતર્ગત જિલ્લાની હાથવણાટ (DIC) અને ઔદ્યોગિક સહકારી મંડળીઓના ભાવિ વિકાસ, સુશાસન અને ગુણવત્તાસભર ઓડિટ વ્યવસ્થાને મજબૂત કરવાના હેતુથી સમીક્ષા બેઠક તથા વિશેષ ઓડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીનગરના સંયુક્ત રજિસ્ટ્રાર (ઔદ્યોગિક) આર. ડી. ત્રિવેદી અને રાજકોટના વિભાગીય સંયુક્ત રજિસ્ટ્રાર રીના પટેલના સંયુક્ત માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા રજિસ્ટ્રાર કોમલ ચૌધરી તેમજ જિલ્લા સહકારી બેંકના સી.ઈ.ઓ. રઘુવીરસિંહ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા બેઠક દરમિયાન હાથવણાટ મંડળીઓના આધુનિકીકરણ, બજાર વિસ્તરણ, સરકારી યોજનાઓનો લાભ લેવા, યુવા કારીગરોને જોડવા તેમજ ઉત્પાદન અને બ્રાન્ડિંગ જેવા મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આ સાથે જ મંડળીઓનું સંચાલન વધુ પારદર્શક બને, નિયમિત ઓડિટ દ્વારા નાણાકીય શિસ્ત જળવાય અને વહીવટી પ્રશ્નોનો ઉકેલ આવે તે દિશામાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ઓડિટરો સાથેની સમીક્ષા બેઠકમાં ઓડિટની કામગીરી સમયબદ્ધ અને ગુણવત્તાસભર પૂર્ણ કરવા જણાવાયું હતું તથા ઓડિટને માત્ર પ્રક્રિયા ન ગણતા તેને સુશાસનના માધ્યમ તરીકે સ્વીકારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો આ ઉપરાંત, જિલ્લાની પ્રગતિ અને સરકારી યોજનાઓની સમીક્ષા માટે ‘ડીસીડીસી’ (DCDC) બેઠક પણ યોજવામાં આવી હતી કાર્યક્રમના ભાગરૂપે ઉચ્ચ અધિકારીઓએ જિલ્લાની વિવિધ ઔદ્યોગિક સહકારી મંડળીઓની રૂબરૂ મુલાકાત લઈને કામગીરીનું સ્થળ પર જ નિરીક્ષણ કર્યું હતું તેમણે સ્થાનિક કારીગરો સાથે સીધો સંવાદ સાધીને તેમની રોજિંદી કામગીરી, પડકારો અને જરૂરિયાતો વિશે વિગતવાર માહિતી મેળવીને સ્થળ પર જ યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ ઉજવણી અંતર્ગત એક વિશેષ ઓડિટ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાની કુલ ૯૦ સહકારી મંડળીઓના ઓડિટની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે જેમાં ૨૫ ઔદ્યોગિક સહકારી મંડળીઓ (DIC) નો પણ સમાવેશ થાય છે આ બેઠક અને વિશેષ કેમ્પના સફળ આયોજન બદલ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સહકારી વિભાગની કામગીરીને બિરદાવવામાં આવી હતી જિલ્લા રજિસ્ટ્રાર સુશ્રી કોમલ ચૌધરીએ તમામ સહકારી મંડળીઓના પ્રતિનિધિઓ, ઓડિટરો અને સ્થાનિક કારીગરોનો આભાર વ્યક્ત કર્યો હતો અને જિલ્લાની સહકારી પ્રવૃત્તિઓને વધુ વેગવંતી બનાવવા માટે સહિયારા પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો આ કાર્યક્રમમાં જિલ્લાના સહકારી ક્ષેત્રના અગ્રણીઓ, મંડળીઓના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કારીગરો ઉપસ્થિત રહ્યા હતા.



