
નર્મદા : વરસાદની જોરદાર એન્ટ્રી બાદ વહીવટી તંત્ર સાબદું બન્યું , પોઇચા ખાતે ફ્લડ મોકડ્રિલનું આયોજન
રાજપીપળા : જુનેદ ખત્રી
ભારે વરસાદની સંભાવના અને પૂર જેવી આપત્તિજનક પરિસ્થિતિને ધ્યાને લઈ નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા. ૧૦ જુલાઈ, ૨૦૨૬ના રોજ ફ્લડ મોકડ્રીલ (મોક એક્સરસાઇઝ)નું આયોજન કરવામાં આવ્યું છે. મોકડ્રીલનું આયોજન સુચારૂ અને અસરકારક રીતે થાય તે હેતુસર જિલ્લા કલેકટર કચેરી ખાતે (વી.સી.) મારફતે બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ સંબંધિત વિભાગોના અધિકારીઓ જોડાયા રહ્યા હતા.
વી.સી. દરમિયાન નાયબ કલેકટર વિધુ ખૈતાને મોકડ્રીલના સફળ આયોજન માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. તેમણે તમામ વિભાગોને પરસ્પર સંકલન જાળવી આપત્તિ વ્યવસ્થાપનની કામગીરી અસરકારક રીતે પાર પાડવા સૂચના આપી હતી.
આ ફ્લડ મોકડ્રીલ તા. ૧૦ જુલાઈ, ૨૦૨૬ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે નર્મદા જિલ્લાના ત્રિવેણી સંગમ, પોઈચા ખાતે યોજાશે. મોકડ્રીલ દરમિયાન વિવિધ વિભાગો દ્વારા પૂર જેવી પરિસ્થિતિમાં બચાવ અને રાહત કામગીરીનું જીવંત નિદર્શન કરવામાં આવશે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે, આ માત્ર આપત્તિ વ્યવસ્થાપનની પૂર્વ તૈયારીના ભાગરૂપે યોજાનારી ફ્લડ મોકડ્રીલ છે. તેથી કોઈપણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન રાખવો તેમજ ગભરાશો નહીં અને તંત્રને જરૂરી સહયોગ આપવો




