કાલોલના ફણસીમાં અપશબ્દોના વિરોધમાં મારામારી: પ્રજ્ઞાચક્ષુ આધેડ પર હુમલો, પોલીસમાં ક્રોસ ફરિયાદ નોંધાઈ.

તારીખ ૧૪/૦૭/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના ફણસી ગામે ક્ષણિક આવેગમાં આવી જઈને પાડોશીઓ વચ્ચે લોહીયાળ ધિંગાણું થવાની ઘટના સામે આવી છે. આ મામલે ચાર દિવસ પહેલાં ભગવાનસિંહ પર્વતસિંહ જાદવ દ્વારા ચાર ઈસમો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના વળતા પ્રહારરૂપ (Cross Complaint) હવે સામી ફરિયાદ વેજલપુર પોલીસ મથકે નોંધાઈ છે. ફણસી ગામના મોટું ફળિયું વિસ્તારમાં રહેતા અને જન્મથી જ આંખે ઓછું જોતા પ્રજ્ઞાચક્ષુ ખેડૂત આધેડને ફળિયામાં ગાળો બોલવાની ના પાડવી ભારે પડી છે, જેના કારણે ત્રણ ઈસમોએ ભેગા મળીને તેમના પર પાઇપ અને લાકડી વડે જીવલેણ હુમલો કર્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.પોલીસ ચોપડે નોંધાયેલી વિગતો અનુસાર, ફરિયાદી વિનોદભાઇ વખતસિંહ ચાવડા (ઉ.વ. ૪૫, ધંધો-ખેતી, રહે. ફણસી, મોટું ફળિયું) અને તેમના ભાઈઓ જન્મથી પ્રજ્ઞાચક્ષુ છે. ગત તા. ૦૫/૦૭/૨૦૨૬ના રોજ રાત્રિના આશરે નવેક વાગ્યે તેઓ જમી પરવારીને ઘરમાં બેઠા હતા. તે દરમિયાન પાડોશમાં રહેતો ભગવાનસિંહ જાદવનો દીકરો સુનીલ મોટરસાયકલ લઈને આવ્યો હતો અને ફળિયાના ચોકમાં વાહન ઊભું રાખીને ફરિયાદીના મોટાભાઈ વિષ્ણુભાઈનું નામ દઈને જાહેરમાં મા-બેન સમાણી ગંદી ગાળો બોલવા લાગ્યો હતો જ્યાં મોટાભાઈ કંઈ બોલ્યા નહીં, પરંતુ ફરિયાદી વિનોદભાઈથી ગાળો સહન ન થતાં તેઓ સુનીલ પાસે ગયા હતા અને જણાવ્યું હતું કે, “ફળિયાના બધા માણસો સાંભળે છે, તું આવી ખરાબ ગાળો બોલીશ નહીં.” આ વાત સાંભળતા જ સુનીલ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને વિનોદભાઈને પણ ગાળો ભાંડવા લાગ્યો હતો. જેથી વિનોદભાઈ ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે સુનીલ અને તેનો ભાઈ અનિલભાઈ ભગવાનસિંહ જાદવ બંને પાછળથી દોડી આવ્યા હતા. તેમણે પ્રજ્ઞાચક્ષુ વિનોદભાઈને પકડી પાડીને કહ્યું કે, “સાલા આંધળા, તું કેમ મારા ઘરે કહેવા આવ્યો?” તેમ કહીને સુનીલે પોતાના હાથમાં રહેલી લોખંડની પાઇપ વિનોદભાઈના માથાના પાછળના ભાગે ફટકારી દીધી હતી. પાઇપ વાગતાં જ વિનોદભાઈ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા.તે જ સમયે અનિલ જાદવે હાથમાં રહેલી લાકડી વિનોદભાઈના જમણા પગે મારી દઈ ગંભીર ઈજા પહોંચાડી હતી. આટલેથી ન અટકતા, તેમના પિતા ભગવાનસિંહ પર્વતસિંહ જાદવ પણ પોતાના ઘરેથી હાથમાં ‘વાસી’ (ધારદાર હથિયાર) લઈને દોડી આવ્યા હતા અને ગાળો બોલવા લાગ્યા હતા. વિનોદભાઈએ જીવ બચાવવા બૂમાબૂમ કરતા તેમનો દીકરો ઈશ્વરસિંહ અને પત્ની મીનાબેન દોડી આવ્યા હતા અને તેમને વધુ માર ખાવામાંથી છોડાવ્યા હતા. હુમલાખોરો જતાં-જતાં ધમકી આપી ગયા હતા કે, “આજે તો તું બચી ગયો છે, પણ હવે પછી એકલો અમારા ઘરે આવીશ તો તને જાનથી મારી નાખીશું.” હુમલામાં માથાના ભાગે ગંભીર ઈજા થવાને કારણે લોહી વહી ગયું હોવાથી ફરિયાદીના નાનાભાઈ વિક્રમભાઈએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. ઈજાગ્રસ્ત વિનોદભાઈને પ્રથમ ગોધરા સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે વડોદરાની એસ.એસ.જી. (SSG) હોસ્પિટલમાં રિફર કરાયા હતા. ત્યાં એક દિવસ દાખલ રહ્યા બાદ રજા અપાઈ હતી, પરંતુ ૭ જુલાઈના રોજ ફરીથી માથામાં અસહ્ય દુખાવો ઉપડતા તેમને પુનઃ ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. ગત ૧૦ જુલાઈના રોજ રજા મળ્યા બાદ, તબિયતમાં સુધારો થતા વિનોદભાઈએ વેજલપુર પોલીસ મથકે પહોંચીને વિધિવત ફરિયાદ નોંધાવી છે.વેજલપુર પોલીસે ફરિયાદી વિનોદભાઇ વખતસિંહ ચાવડાની ફરિયાદના આધારે (1).સુનીલભાઈ ભગવાનસિંહ જાદવ,(2 )અનિલભાઈ ભગવાનસિંહ જાદવ,(3) ભગવાનસિંહ પર્વતસિંહ જાદવ (તમામ રહે. મોટું ફળિયું, ગામ ફણસી, તા. કાલોલ) ત્રણેય આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે.







