AHAVADANG

વલસાડના ફલધરા પાખરીયાવાડમાં શંકાસ્પદ કેમિકલયુક્ત પાણી છોડાતા હાહાકાર, ગ્રામજનોમાં ભારે રોષ

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડો. નિરવ ભુલાભાઈ પટેલની નિષ્પક્ષ તપાસ, વૈજ્ઞાનિક પરીક્ષણ અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ આવી

વલસાડ તાલુકાના ફલધરા ગામના પાખરીયાવાડ વિસ્તારમાં શંકાસ્પદ કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું હોવાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. પાણીની ટાંકીની બાજુમાં આવેલી પડતર જમીન, કૂવા તથા આસપાસના વિસ્તારમાં આ શંકાસ્પદ પ્રવાહી છોડાતા કૂવામાં રહેલી માછલીઓ મૃત હાલતમાં જોવા મળી હતી. સાથે જ અસહ્ય દુર્ગંધ ફેલાતા ગ્રામજનોમાં ભારે રોષ અને ચિંતાનો માહોલ સર્જાયો છે.

ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ પર દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ શંકાસ્પદ પાણી કાકડમાટી ગામ તરફથી લાવવામાં આવ્યું હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. વધુમાં, ટેન્કર દીઠ અંદાજે રૂ. 2,000 લઈને આ પ્રકારનું પાણી ખાલી કરવામાં આવતું હોવાના આક્ષેપો પણ ગ્રામજનોએ કર્યા છે.

ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ પાણી ગોલોક ફાર્મ નામની કંપનીમાંથી આવતું હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે, આ દાવાની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને તપાસ બાદ જ હકીકતો સ્પષ્ટ થશે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફલધરા અને કાકડમાટી ગામના સરપંચો, ગામના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ પર પહોંચ્યા હતા. સ્થળ પરથી પાણીના નમૂનાઓ લેવામાં આવ્યા છે, જેને વૈજ્ઞાનિક તપાસ માટે સંબંધિત વિભાગમાં મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર મામલે સમસ્ત આદિવાસી સમાજના યુવા આગેવાન ડો. નિરવ ભુલાભાઈ પટેલે આદિવાસી વિસ્તારોના જળ, જંગલ અને જમીન પર સતત વધી રહેલા પર્યાવરણીય ખતરાઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે માંગણી કરી છે કે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ, પાણીના નમૂનાઓનું વૈજ્ઞાનિક પરીક્ષણ અને જો કોઈ વ્યક્તિ કે સંસ્થા જવાબદાર સાબિત થાય તો તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. સાથે જ પર્યાવરણ અને જાહેર આરોગ્યને નુકસાન પહોંચાડતી આવી પ્રવૃત્તિઓ પર તાત્કાલિક રોક લગાવવામાં આવે.

Back to top button
error: Content is protected !!