
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના વઘઈ ગામ ખાતે આજે વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપના દિવસ નિમિત્તે શ્રીકૃષ્ણ જન્મોત્સવનો ભવ્ય અને ભક્તિમય કાર્યક્રમ યોજાયો હતો. ધાર્મિક ભાવના સાથે સામાજિક અને યુવા જાગૃતિનો સંદેશ આપતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો, યુવાનો તથા હિન્દુ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના વલસાડ વિભાગના સહમંત્રી રવિભાઈ સુરવંશી, જિલ્લા મંત્રી બ્રિજેશભાઈ ઠાકર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહકાર્યવાહ ગોવિંદભાઈ કુંવર તથા સાગરભાઈ બટકે સહિતના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ભગવાન શ્રીકૃષ્ણના જીવન, તેમના વિચારો અને ધર્મ તથા સમાજ પ્રત્યેની જવાબદારી અંગે ઉપસ્થિત મહાનુભાવોએ માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના, તેના ઉદ્દેશો તથા હિન્દુ સમાજના સંગઠન માટે સંસ્થાની ભૂમિકા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.કાર્યક્રમનું વિશેષ આકર્ષણ યુવા ચર્ચા રહ્યું હતું. યુવાનોને ભારતીય સંસ્કૃતિ, પરંપરા, રાષ્ટ્રભાવના અને સામાજિક જવાબદારી સાથે જોડવા અંગે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. યુવાનોમાં સંગઠન, સંસ્કાર અને સમાજ પ્રત્યેની જવાબદારીની ભાવના વધુ મજબૂત બને તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ યુવાનોને ભગવાન શ્રીકૃષ્ણના જીવનમાંથી ધર્મ, કર્તવ્ય, સંઘર્ષ અને રાષ્ટ્ર તથા સમાજ પ્રત્યેની નિષ્ઠા જેવા મૂલ્યો ગ્રહણ કરવા આહ્વાન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ સાથે સંગઠન અને સામાજિક એકતાનો સંદેશ ગુંજ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપના દિવસ અને શ્રીકૃષ્ણ જન્મોત્સવની સંયુક્ત ઉજવણીથી વઘઈમાં ધાર્મિક ઉત્સાહ સાથે યુવાનોમાં પણ નવી ઊર્જા જોવા મળી હતી.



