AHAVADANG

ડાંગનાં માલેગામ ખાતે ટેન્ટ હાઉસનાં સંચાલકોએ નીતિ નિયમોનાં ધજાગરા ઉડાડયા,પ્રવાસીઓની સુરક્ષા જોખમમાં

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ગિરિમથક સાપુતારાની તળેટીમાં માલેગામ ખાતે ત્રણ જેટલા ટેન્ટ હાઉસનાં સંચાલકો દ્વારા પરવાનગી વિના જંગલ ટ્રેકિંગ સહીત એડવેન્ચર પ્રવૃત્તિઓ ચલાવતા પ્રકૃતિ અને પ્રવાસીઓની સુરક્ષા જોખમમાં,તાત્કાલિક તપાસ કરી કાર્યવાહી કરવાની સ્થાનિકોની માંગ..

ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારાની તળેટીમાં આવેલા માલેગામ ગામનાં ગામતળમાં આદિવાસી ખેડૂતોની 73AA જમીનોમાં મંજૂરીઓ વિના ત્રણ જેટલા ટેન્ટ હાઉસ ઉભા કરી ગેરકાયદેસર રીતે જંગલ ટ્રેકિંગ સહિત એડવેન્ચર પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે.આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છેલ્લા ઘણા વર્ષોથી ચાલતી હોવા છતાંય જિલ્લા વહીવટી તંત્રનાં અધિકારી કાર્યવાહી કરવાની જગ્યાએ જાણે મુકબધીર બનીને બેઠા હોય તેવુ જોવા મળી રહ્યુ છે.જેથી સ્થાનિકોમાં આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સમગ્ર પ્રકરણની ઉચ્ચસ્તરીય તપાસ કરી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર માલેગામ ગામની ગામતળમાં ત્રણ સ્થળોએ ટેન્ટ હાઉસ કાર્યરત છે.જેમાં (1) સોમાભાઈ મહાદેભાઈ ગાયકવાડની જમીનમાં રાજુભાઈ મોઢવાડિયા દ્વારા સંચાલિત ટેન્ટ હાઉસ, (2) સુરેશભાઈ બન્સીભાઈ ભોયેની જમીનમાં ગોપાળભાઈ પાદરીયાનું ટેન્ટ હાઉસ અને (3) કાશીરામભાઈ સોમાભાઈ ઠાકરેની જમીનમાં ઋષિરાજ મોરીનું ટેન્ટ હાઉસ સામેલ છે.આ આક્ષેપો મુજબ, ત્રણેય ટેન્ટ હાઉસનાં સંચાલકો દ્વારા ગ્રામપંચાયત, નગર નિયોજન,વન વિભાગ અથવા અન્ય સંબંધિત સરકારી સત્તાધિકારીઓ પાસેથી જરૂરી મંજૂરી લેવામાં આવી નથી.તેમ છતાં અહીં રોજેરોજ ગેરકાયદેસર રીતે પ્રવાસીઓને રહેવાની,જમવાની,ટ્રેકિંગ,સહિત એડવેન્ચર એક્ટિવિટીઓની સુવિધા આપવામાં આવી રહી છે.તેમજ દક્ષિણ વન વિભાગમાં લાગુ શામગહાન રેંજનાં જંગલ વિસ્તારમાં ટ્રેકિંગ જેવી પ્રવૃત્તિઓ ચલાવી વન સંપદાને નુકસાન પોહચાડવાની ચોંકાવનારી વિગતો જાણવા મળી રહી છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ ટેન્ટ હાઉસનાં સંચાલકો દ્વારા કમાણીનાં લ્હાયમાં કોઈપણ કાયદેસર મંજૂરી અને સલામતીના ધોરણો વિના જંગલ ટ્રેકિંગ અને એડવેન્ચર પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે. જો આવી પ્રવૃત્તિ દરમિયાન કોઈ પ્રવાસીઓ ઉપર જંગલી જાનવર હુમલો કરે અથવા અકસ્માત કે જાનહાનિ થાય તો તેની જવાબદારી કોણ લેશે વહીવટી તંત્ર કે ટેન્ટ હાઉસનાં સંચાલકો જે ગંભીર પ્રશ્ન ઊભો થયો છે.વધુમાં ગેરકાયદેસર જંગલ ટ્રેકિંગ દરમિયાન જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિક સહિતનો કચરો ફેંકાતા જંગલનાં વન્ય જીવો તથા વન સંપદા અને પર્યાવરણને નુકસાન પહોંચી રહ્યું હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે.ચોમાસાની સિઝનમાં મોટી સંખ્યામાં લક્ઝરી બસો દ્વારા આ ત્રણ ટેન્ટ હાઉસમાં પ્રવાસીઓને લાવવામાં આવી રહ્યા છે.ચોમાસાની ઋતુમાં લકઝરી બસોનાં આવન જાવનનાં પગલે  માલેગામનો સાંકડો આંતરિક માર્ગ ભારે વાહનોના દબાણ હેઠળ આવી જાય છે, જેના કારણે અકસ્માતનો ભય સતત વધતો હોવાનું સ્થાનિકોનું કહેવું છે.સાથે ભારે વાહનોનાં પગલે માર્ગ પણ ક્ષતિગ્રસ્ત બની રહ્યો છે.આક્ષેપ મુજબ ટેન્ટ હાઉસનાં સંચાલકો ખુલ્લેઆમ દાવો કરે છે કે તેમની પાસે જિલ્લા કલેકટરનો  બિનખેતી (NA)નો હુકમ હોવાથી અન્ય કોઈ વિભાગની પરવાનગી લેવાની જરૂર નથી.અમો કોઈ પણ પ્રવૃત્તિ કરી શકીએ અમોને રોકવા વાળુ કોણ?જોકે જાણકારોના જણાવ્યા મુજબ માત્ર બિનખેતીનો હુકમ મળવાથી ટેન્ટ હાઉસ, હોમસ્ટે, એડવેન્ચર સ્પોર્ટ્સ અથવા જંગલ ટ્રેકિંગ જેવી વ્યાવસાયિક પ્રવૃત્તિઓ કાયદેસર બની જતી નથી.તેના માટે સંબંધિત વિભાગોની મંજૂરી અને સલામતીના તમામ નિયમોનું પાલન ફરજિયાત હોય છે.નિયમો મુજબ ટેન્ટ હાઉસમાં રોકાણ સહીત કેટરિંગ અને જંગલ ટ્રેકિંગ સહીત એડવેન્ચર પ્રવૃત્તિઓ માટે ગ્રામ પંચાયત અથવા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાનાં લેટરપેડ પર સક્ષમ અધિકારીની મંજૂરી, જરૂરી હોય ત્યાં નગર નિયોજન અને બિલ્ડિંગ સંબંધિત મંજૂરી, પ્રવાસન વિભાગના નિયમોનું પાલન, તાલીમબદ્ધ ગાઈડ, સલામતીના સાધનો, ઈમરજન્સી વ્યવસ્થા, જંગલ વિસ્તારમાં ટ્રેકિંગ માટે વન વિભાગની મંજૂરી, પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણના નિયમોનું પાલન, પ્લાસ્ટિક પ્રતિબંધ અને કચરા વ્યવસ્થાપનની યોગ્ય વ્યવસ્થા તેમજ પ્રવાસીઓ માટે જરૂરી વીમા સહિતની જોગવાઈઓ અનિવાર્ય ગણાય છે.જે આ તમામ નિયમોનાં ટેન્ટ હાઉસનાં સંચાલકોએ લીરેલીરા ઉડાવી દીધા છે.હાલમાં સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે જિલ્લા વહીવટીતંત્ર, વન વિભાગ, ગ્રામ પંચાયત, પોલીસ, તથા અન્ય સંબંધિત વિભાગો દ્વારા સમગ્ર મામલે તાત્કાલિક તપાસ હાથ ધરી તમામ જરૂરી પરવાનગીઓની ચકાસણી કરવામાં આવે.જો ગેરરીતિ સામે આવે તો જવાબદાર ટેન્ટ હાઉસનાં સંચાલકો અને જમીન માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરી આ ત્રણેય ટેન્ટ રિસોર્ટને સીલ કરવામાં આવે તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર તાત્કાલિક રોક લગાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.નહિતર આ મુદ્દે આવનાર દિવસોમાં સ્થાનિકો દ્વારા મુખ્યમંત્રી સુધી રજુઆતની ચીમકી ઉચ્ચારી છે.અત્રે નોંધનીય છે કે થોડા સમય પહેલા જ ડાંગ જિલ્લાનાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી એચ.બી.પટેલે ડાંગ જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર ટેન્ટ હાઉસ,રિસોર્ટસ, હોટલ,હોમ સ્ટે સામે કાયદાકીય પગલા ભરવા અંગે જે તે ગ્રુપ ગ્રામ પંચાયતનાં તલાટીકમ મંત્રીઓને સૂચનો જાહેર કર્યા હતા.ત્યારે ડાંગ જિલ્લાનાં સાપુતારાની તળેટી વિસ્તારમાં આવેલ માલેગામ ગ્રુપ ગ્રામ પંચાયતમાં પરવાનગી વગર ચાલતા આ ત્રણ ટેન્ટ હાઉસ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સિલ કરાશે કે પછી રહેમ નજર હેઠળ છોડી મુકાશે તે આવનાર દિવસોમાં જ માલુમ પડશે..

Back to top button
error: Content is protected !!