
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
સમગ્ર ગુજરાત સહિત ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામતાની સાથે જ, રાજ્યના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા ખાતે પ્રવાસીઓનું જાણે ઘોડાપૂર ઉમટ્યુ છે.વીકેન્ડ અને મનમોહક હવામાનનો ત્રિવેણી સંગમ થતા જ મોટી સંખ્યામાં સહેલાણીઓ કુદરતી સૌંદર્યનો આનંદ માણવા સાપુતારા તરફ વળ્યા છે.જેને પગલે સાપુતારા ઘાટમાર્ગમાં વાહનોની કિલોમીટરો લાંબી કતારો જોવા મળી હતી અને ઠેરઠેર કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.વરસાદી ધુમ્મસ અને લીલીછમ હરિયાળી વચ્ચે સાપુતારાના મુખ્ય પ્રવાસન સ્થળો જેવા કે ટેબલ પોઈન્ટ, હેલિપેડ ગ્રાઉન્ડ અને સ્વાગત સર્કલ ખાતે વાહનોનો ભારે જમાવડો જોવા મળ્યો હતો.જેના પગલે પાર્કિંગ અંગે અરાજકતા સર્જાઈ હતી.અને પ્રવાસી વાહનચાલકો હેરાન થયા હતા.સાપુતારામાં ચારેય તરફ પ્રવાસીઓની ભારે ભીડનાં પગલે વાતાવરણ કિલકિલાટ નાદોની સાથે ગુંજી ઊઠ્યુ હતુ.ડાંગ જિલ્લાનાં સાપુતારા,ગીરમાળનો ગીરાધોધ, વઘઇનો પ્રખ્યાત ગીરાધોધ,ડોન હિલસ્ટેશન જેવા જોવાલાયક સ્થળો પણ પ્રવાસીઓથી ઉભરાઈ ગયા હતા. પ્રવાસીઓના આ અભૂતપૂર્વ ધસારાને કારણે સાપુતારા અને તેની આસપાસની તમામ હોટલો, રેસ્ટોરન્ટ્સ, હોમસ્ટે અને રિસોર્ટ્સ એડવાન્સમાં જ સંપૂર્ણપણે હાઉસફુલ થઈ ગયા હતા,જેના લીધે મોડેથી આવેલા કેટલાક પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.સાપુતારા સહીત તળેટીમાં હોટલો અને રિસોર્ટસ હાઉસફુલ થઈ જતા સ્થાનિક કક્ષાએ રોજગારીનું નવ સર્જન થયુ હતુ.આ અણધારી ભીડ અને વાહનોની લાંબી કતારોને કારણે કાયદો અને વ્યવસ્થા તેમજ વાહનવ્યવહાર ખોરવાય નહીં તે માટે ડાંગ એસ.પી.પૂજા યાદવનાં માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ મથકનાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર (પી.આઈ.) જે.કે. બારીયા અને તેમની ટીમ તુરંત એક્શનમાં આવી ગઈ હતી.પોલીસ કાફલાએ ધોધમાર વરસાદ અને ધુમ્મસભર્યા વાતાવરણની વચ્ચે પણ રસ્તા પર ઉતરીને રાઉન્ડ ધ ક્લોક (ચોવીસ કલાક) સખત કામગીરી હાથ ધરી હતી.ટ્રાફિક નિયમન માટે પોલીસે ભારે જહેમત ઉઠાવી હતી અને કલાકોની ભારે કવાયત બાદ આખરે ટ્રાફિક હળવો કરવામાં સફળતા મળી હતી.ટ્રાફિક સુચારૂ થતા જ પ્રવાસીઓ અને સ્થાનિક વાહનચાલકોએ મોટી રાહતનો શ્વાસ લીધો હતો..




