
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
લોકસભામાં ‘જ્ઞાન ભારત પહેલ’ અંતર્ગત પાંડુલિપિ વારસાનાં ડિજિટલાઈઝેશન અંગે સાંસદ ધવલ પટેલે મહત્વપૂર્ણ પ્રશ્ન રજૂ કર્યો હતો.લોકસભાના ચોમાસુ સત્ર દરમિયાન આજે સંસદમાં દેશની ભવ્ય પાંડુલિપિ (હસ્તપ્રત) વિરાસતના સંરક્ષણ અને ડિજિટલાઈઝેશન અંગે ઊંડાણપૂર્વક ચર્ચા હાથ ધરવામાં આવી હતી.સંસદની કાર્યવાહી દરમિયાન અધ્યક્ષ ઓમ બિરલાની અધ્યક્ષતામાં પ્રશ્નકાળ અંતર્ગત વલસાડ-ડાંગ (ગુજરાત) સંસદીય વિસ્તારના ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ ધવલભાઈ લક્ષ્મણભાઈ પટેલે ‘જ્ઞાન ભારત પહેલ’ (Gyan Bharatam Initiative) ને લઈને એક મહત્વપૂર્ણ પ્રશ્ન રજૂ કર્યો હતો.સાંસદ ધવલ પટેલે ગૃહમાં પ્રશ્ન પૂછતાં જણાવ્યું કે, ભારતની સમૃદ્ધ પાંડુલિપિ વિરાસતના સંરક્ષણ હેતુ શરૂ કરવામાં આવેલી ‘જ્ઞાન ભારત પહેલ’નો મુખ્ય ઉદ્દેશ્ય અને તેના પ્રમુખ ઘટકો શું છે? આ સાથે જ તેમણે પોતાના સંસદીય ક્ષેત્રનો વિશેષ ઉલ્લેખ કરતા પૂરક પ્રશ્ન કર્યો હતો કે, દક્ષિણ ગુજરાતના વલસાડ,વાંસદા,ડાંગ,ધરમપુરના વિસ્તારમાં વસતા ધોડિયા, કોકણા અને વારલી જેવા જનજાતીય (આદિવાસી) સમુદાયોની મૌખિક પરંપરાઓ અને પાંડુલિપિઓનું દસ્તાવેજીકરણ કરવા માટે શું પગલાં લેવામાં આવી રહ્યા છે? તેમણે આ પ્રક્રિયામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના ઉપયોગ અંગે પણ મંત્રી પાસે સ્પષ્ટતા માંગી હતી.આ પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા દેશના યુવા કાર્ય અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, આપણી વિરાસત આપણને દેશની સાચી દિશા અને દર્શન બંને આપે છે. તેમણે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લાલ કિલ્લા પરથી આપેલા સંબોધનને યાદ કરતા કહ્યું કે, ‘વિકસિત ભારત’ના નિર્માણ માટે જે પાંચ પ્રણ (સંકલ્પ) લેવામાં આવ્યા છે, તેમાં ત્રીજો પ્રણ આપણી વિરાસત પર ગર્વ લેવાનો અને તેનાથી પ્રેરણા મેળવવાનો છે. મંત્રીએ ઉમેર્યું કે આપણી હસ્તપ્રતો ( એ આપણી અમૂલ્ય વિરાસત છે,જે આજે દેશભરના મંદિરો, વિવિધ સંશોધન સંસ્થાઓ, મહાવિદ્યાલયો, મઠો, જૈન ભંડારો તેમજ ખાનગી સંગ્રહાલયોમાં સચવાયેલી છે.ડૉ. માંડવિયાએ ‘જ્ઞાન ભારત મિશન’ની પ્રગતિના આંકડા રજૂ કરતા ગૃહને માહિતી આપી કે, આ મિશન અંતર્ગત દેશમાં અત્યાર સુધીમાં ૧ કરોડથી પણ વધુ પાંડુલિપિઓનો વ્યાપક સર્વે કરવામાં આવ્યો છે. જેમાંથી અંદાજે ૮ કરોડ પાનાઓનું ડિજિટલાઈઝેશન પૂર્ણ કરી દેવામાં આવ્યું છે અને ૩ લાખ ૭૪ હજારથી વધુ હસ્તપ્રતોને ઓનલાઈન પોર્ટલ પર અપલોડ પણ કરી દેવાઈ છે, જેથી તે સંશોધકો માટે સુલભ બને. દક્ષિણ ગુજરાતના સંદર્ભમાં તેમણે ખાતરી આપી કે દેશના જનજાતીય વિસ્તારોની સ્થાનિક ભાષાઓમાં રહેલી આવી વિરાસતો અને મૌખિક પરંપરાઓને પણ આ સર્વેમાં આવરી લેવામાં આવશે અને તેના પર જરૂરી સંશોધન કરી તેને ડિજિટલ સ્વરૂપે સુરક્ષિત કરવામાં આવશે, જેથી આવનારી પેઢી આપણી આદિવાસી સંસ્કૃતિ અને જ્ઞાનથી માહિતગાર થઈ શકે..





