પંચમહાલની ગોમા નદી પર રેતી ખનન માફિયાઓથી ખતરો, રેતી માફિયાના ત્રાસથી નાગરિકોએ ગૃહમંત્રીને કરી રજૂઆત.

તારીખ ૨૨/૦૭/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં આવેલી ગોમા નદી હાલ ખનિજ માફિયાઓ માટે કમાણીનું મુખ્ય કેન્દ્ર બની ગઈ હોવાનો સળગતો મામલો સામે આવ્યો છે. વેજલપુરના જાગૃત નાગરિક દ્વારા પંચમહાલ જિલ્લા કલેક્ટર સહિત રાજ્યના ગૃહવિભાગ સુધી લેખિત રજૂઆત કરી ગોમા નદીમાંથી થતી કરોડો રૂપિયાની ગેરકાયદેસર રેતી ચોરી તાત્કાલિક અટકાવવા અને માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.અરજીમાં કરાયેલા ગંભીર આક્ષેપો અનુસાર, કાલોલ તાલુકાના ધુસર, ભેરવની મુવાડી તેમજ અગાસીની મુવાડી ગામો નજીકથી પસાર થતી ગોમા નદીના પટમાંથી દરરોજ રાત-દિવસ ટ્રેક્ટરો અને વાહનોના કાફલા દ્વારા ગેરકાયદેસર રીતે રેતીનું ખોદકામ અને વહન કરવામાં આવી રહ્યું છે. આ કાળો કારોબાર કરોડો રૂપિયા સુધી પહોંચ્યો છે, જેના કારણે એક તરફ નદીનું નિવસનતંત્ર જોખમાયું છે તો બીજી તરફ રાજ્ય સરકારની તિજોરીને કરોડો રૂપિયાના રોયલ્ટી અને મહેસૂલનું ભારે નુકસાન થઈ રહ્યું છે.
રજૂઆતમાં દર્શાવ્યા મુજબ, ખનિજ ચોરીમાંથી કમાયેલા કાળા નાણાંનો ઉપયોગ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવવા માટે થઈ રહ્યો છે. ખનિજ માફિયાઓ પોતાના આર્થિક જોરે આસપાસના ગામોના નિર્દોષ ગ્રામજનો પર લુખ્ખી દાદાગીરી અને ધાક-ધમકીઓ આપી રહ્યા છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભય અને અસંતોષનું વાતાવરણ ઊભું થયું છે.ગેરકાયદેસર ખનિજ ચોરીને કાયમી ધોરણે નાબૂદ કરવા માટે અરજદારે નીચે મુજબના ચોક્કસ પગલાં ભરવા સૂચન કર્યું છે ધુસર ગામની ચોકડી પર આવેલ ખુલ્લી સરકારી જમીન પર પોલીસ વિભાગ અને ખાણ-ખનિજ વિભાગની સંયુક્ત તપાસ ચેક પોઇન્ટ ઊભી કરવામાં આવે.નદીમાંથી બહાર નીકળતા તમામ રસ્તાઓ પર ટ્રેક્ટરો અને રોયલ્ટી પાસનું કડક ચેકિંગ કરવામાં આવે.ચોરીમાં સંકળાયેલા માફિયાઓ, વાહન માલિકો અને તેમના સાગરીતો સામે રક્ષણાત્મક નહીં પરંતુ સખતમાં સખત ફોજદારી કાર્યવાહી કરવામાં આવે. આ બાબત માત્ર સ્થાનિક સ્તરની ન રહેતા રાજ્ય કક્ષા સુધી પહોંચે તે માટે અરજીની નકલ તમામ જવાબદાર વિભાગોને પાઠવવામાં આવી છે જાગૃત નાગરિક દ્વારા ઉચ્ચ કક્ષાએ કરેલ અરજીની નકલ સોસીયલ મિડિયામાં પણ વાઇરલ કરી છે હવે જોવું રહ્યું કે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર આ ખનીજ માફિયાઓ સામે ક્યાં પ્રકારની કાર્યવાહી હાથ ધરે છે






