હાલોલ સેશન્સ કોર્ટનો મોટો ચુકાદો,કાલોલના ચકચારી જાનલેવા હુમલા કેસમાં તમામ 4 આરોપીઓ નિર્દોષ છૂટ્યા.

તારીખ ૨૨/૦૭/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલના સડક ફળીયા વિસ્તારમાં વર્ષ ૨૦૨૦માં કૌટુંબિક અને પારિવારિક મનદુઃખના કારણે યુવક પર જાનલેવા હુમલો કરવાના ચકચારી કેસમાં હાલોલની પાંચમા એડીશ્નલ સેશન્સ જજશ્રી એસ.એમ.ક્રિષ્ટીની અદાલતે કાલોલ ઘાંચી સમાજના પ્રમુખ સહિત તમામ ૪ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.કેસની પ્રાપ્ત વિગતો મુજબ, ફરિયાદી સલીમ મજીદ મોકરીયા (રહે. કાલોલ)ની પુત્રી આયશાના લગ્ન શોયેબ અબ્દુલ્લા ઘાંચી સાથે થયા હતા. લગ્નજીવનમાં તકરાર ચાલતી હોઈ ભરણપોષણનો કેસ કોર્ટમાં પેન્ડિંગ હતો. તા. ૨૧-૧૧-૨૦૨૦ના રોજ રાત્રિના સમયે ફરિયાદીના સાળા અવેશ યુસુફ મોકરીયા પર જૂની અદાવત રાખીને લોખંડની પાઇપ અને ધારદાર વાંસી (ધારીયા) જેવા જાનલેવા હથિયારો વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો હતો.આ અંગે કાલોલ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ 1. શોયેબ અબ્દુલ્લા ઉર્ફે રઝાક ઘાંચી 2. અબ્દુલ્લા ઉર્ફે રઝાક યુસુફ ઘાંચી3.ઈકબાલ અબ્દુલ્લા ઘાંચી 4.સલીમભાઈ અબ્દુલ્લા ઘાંચી સામે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ ૩૦૭ (ખૂનની કોશિશ), ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.પોલીસ તપાસ બાદ કેસ હાલોલની સેશન્સ કોર્ટમાં કમિટ કરવામાં આવ્યો હતો. સેશન્સ કેસ નંબર ૬૯/૨૦૨૨ હેઠળ ચાલેલા આ કેસમાં સરકાર પક્ષ દ્વારા ૪૪ મૌખિક સાક્ષીઓ અને ૪૭ જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. કેસની સુનાવણી દરમિયાન આરોપીઓ તરફથી એડવોકેટ કે.ડી. મલેક દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી.ન્યાયાધીશશ્રીએ રજૂ થયેલા પુરાવાઓનું મૂલ્યાંકન કરતા નોંધ્યું હતું કે:સાક્ષીઓના નિવેદનમાં વિરોધાભાસ: ફરિયાદી અને અન્ય મહત્વના સાક્ષીઓની જુબાનીમાં બનાવના સ્થળ, સમય અને હાજરી અંગે ગંભીર વિરોધાભાસ અને સુધારા (Material Improvements) જોવા મળ્યા હતા.ઈજાગ્રસ્તની જુબાની શંકાસ્પદ: ઈજાગ્રસ્ત અવેશ મોકરીયાએ હોસ્પિટલમાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધાવેલા નિવેદનમાં હુમલો કરનાર કોઈનું નામ આપ્યું ન હતું અને “પાછળથી કોણે માર્યો તે ખબર નથી” તેમ જણાવ્યું હતું. જ્યારે કોર્ટમાં અલગ જુબાની આપી હતી, જે વિરોધાભાસી સાબિત થઈ હતી. પંચોએ માત્ર સહી પૂરતા જ પંચનામા ને સમર્થન આપ્યું છે ઉપરાતં તપાસમાં તથ્ય સામે આવ્યું કે ફરિયાદી પોતે કે અન્ય પરિવારજનો બનાવ સમયે ઘટનાસ્થળે પ્રત્યક્ષ હાજર ન હતા. સમગ્ર મામલે સરકાર પક્ષ આરોપીઓ સામેનો ગુનો “નિઃશંકપણે” (Beyond Reasonable Doubt) પુરવાર કરવામાં નિષ્ફળ રહ્યો હતો. ફોજદારી વિધિશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતો અને શંકાનો લાભ (Benefit of Doubt) આપીને અદાલતે આરોપી તરફે એડવોકેટ કે ડી મલેક ની દલીલો ગ્રાહ્ય રાખી તમામ ચારેય આરોપીઓને તમામ કલમો હેઠળના આરોપોમાંથી શંકાનો લાભ આપી સંપૂર્ણ નિર્દોષ જાહેર કરી છોડી મૂકવાનો હુકમ કર્યો છે.







