કાલોલમાં જુના વાહનોની લે વેચ નુ અધૂરું રજીસ્ટર રાખનાર ગેરેજ સંચાલક સામે જોહેરનામાનો ભંગ બદલ ગુનો નોંધાયો.

તારીખ ૨૩/૦૭/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાના કાલોલ ખાતે સેકન્ડ હેન્ડ વાહનોની લે-વેચનો ધંધો કરતા એક વેપારી સામે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ કાલોલ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
એસ.ઓ.જી. (SOG) શાખા, ગોધરાની ટીમ કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે કાલોલ ટાઉન વિસ્તારમાં કેટલાક ઈસમો જુના વાહનોની લે-વેચનો ધંધો કરે છે પરંતુ તે અંગેનું યોગ્ય રજિસ્ટર નિભાવતા નથી. બાતમીના આધારે પોલીસે સ્વતંત્ર પંચોને સાથે રાખી હાલોલ-ગોધરા હાઈવે રોડ પર બોરૂ ટર્નિંગ નજીક આવેલ ‘અબ્દુલ ઓટો ગેરેજ’ માં અચાનક તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન ગેરેજમાં હાજર ઇસમની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ રહીશ અબ્દુલભાઈ શેખ (રહે. કશીમાબાદ સોસાયટી, કાલોલ) હોવાનું જણાવ્યું હતું. તે પોતે અબ્દુલ ઓટો ગેરેજમાં જુના વાહનોની લે-વેચનો ધંધો કરતો હોવાનું સ્વીકાર્યું હતું.પોલીસ અધિકારીઓ દ્વારા જૂના વાહનોની લે-વેચ અંગેનું રજિસ્ટર માગવામાં આવતા, સંચાલક દ્વારા નિભાવવામાં આવતું રજિસ્ટર અયોગ્ય અને અધૂરું હોવાનું માલૂમ પડ્યું હતું. આ અંગે એસ.ઓ.જી. ગોધરા દ્વારા કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આરોપી રહીશ અબ્દુલભાઈ શેખ સામે BNSની કલમ ૨૨૩ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ પ્રવીણકુમાર મેઘવર્ણભાઈ બારીઆને સોંપી છે.







