SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગરમાં વાહન ચાલકો સાવધાન: 3 દિવસમાં ઈ-મેમો ઘરે આવશે, 30 દિવસમાં દંડ નહીં ભરો તો લાઈસન્સ રદ!

ટ્રાફિક નિયમ તોડ્યો તો ખેર નથી: સુરેન્દ્રનગર પોલીસનું આકરું વલણ

તા.20/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

ટ્રાફિક નિયમ તોડ્યો તો ખેર નથી: સુરેન્દ્રનગર પોલીસનું આકરું વલણ, સુરેન્દ્રનગર શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા અને નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો પર લગામ કસવા માટે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા અત્યંત કડક વલણ અપનાવવામાં આવ્યું છે. નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત હવેથી જો કોઈ વાહન ચાલક ટ્રાફિક નિયમો તોડશે, તો તેના ઘરે માત્ર 3 દિવસની અંદર ઈ-મેમો પહોંચાડી દેવામાં આવશે. આ સિવાય જો મેમો મળ્યાના 30 દિવસમાં દંડ નહીં ભરવામાં આવે, તો વાહન ચાલકનું ડ્રાઈવિંગ લાઈસન્સ રદ કરવા તેમજ RTO ને લગતી તમામ કામગીરી અને વાહન રજિસ્ટ્રેશન બ્લોક કરવાની આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં ‘નેત્રમ’ પ્રોજેક્ટ હેઠળ શહેરના મહત્વના 54 સ્થળો પર 250 થી વધુ હાઈટેક સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે આવેલી કમાન કંટ્રોલ સેન્ટર પરથી શહેરના તમામ મુખ્ય માર્ગો પરની હિલચાલનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ કંટ્રોલ રૂમ દ્વારા ટ્રાફિક મોનિટરિંગ, ગુનાખોરી પર નિયંત્રણ અને ખોવાયેલી ચીજવસ્તુઓ પરત અપાવવા સહિતની કામગીરી કરવામાં આવે છે. પોલીસ વિભાગના આંકડા અનુસાર, અત્યાર સુધીમાં નેત્રમ કેમેરા મારફતે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર 34,502 વાહનચાલકોને ઈ-મેમો ફટકારવામાં આવ્યા છે, જે અંતર્ગત કુલ રૂ. 2.51 કરોડનો દંડ થાય છે. જોકે, આ કુલ દંડમાંથી માત્ર 30 ટકા જેટલી રકમ જ વસૂલ થઈ શકી છે. મોટાભાગના વાહન ચાલકો ઈ-મેમો મળ્યા બાદ પણ રકમ ભરવામાં બેદરકારી દાખવતા હોવાથી પોલીસે આ આકરો નિર્ણય લેવો પડ્યો છે. ટ્રાફિક નિયમભંગ થતાં જ 3 દિવસમાં વાહનચાલકના સરનામે ઈ-મેમો મોકલાશે. જો ખોટી રીતે ઈ-ચલણ આપવામાં આવ્યું હોય, તો 30 દિવસની અંદર સંબંધિત અધિકારી સમક્ષ વાંધો રજૂ કરવાનો રહેશે. 30 દિવસ પછી દંડની 50% રકમ ભરીને અપીલ કરી શકાશે. અપીલ માન્ય ઠરશે તો 50% રકમ પરત આપી મેમો રદ કરાશે. અપીલ અયોગ્ય જણાશે તો બાકીનો દંડ તાત્કાલિક ભરવો પડશે. જો 30 દિવસમાં દંડની રકમ નહીં ભરાય તો ડ્રાઈવિંગ લાઈસન્સ રદ કરવાની પ્રક્રિયા શરૂ થશે. RTO ને લગતી તમામ સેવાઓ બ્લોક કરી દેવાશે. વાહન રજિસ્ટ્રેશન રદ કરવા અંગેની કાર્યવાહી કરાશે. આ મુદ્દે વિગતો આપતાં સુરેન્દ્રનગરના DySP પાર્થ પરમારે જણાવ્યું હતું કે, “વાહનચાલકો ટ્રાફિક નિયમોનું પાલન કરે અને ઈ-ચલણની રકમ સમયસર ભરે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. નિયમભંગ બાદ મેમો ઘરે પહોંચે છે પણ લોકો રકમ ભરતા નથી. હવેથી 30 દિવસમાં રકમ નહીં ભરાય તો લાઈસન્સ રદ કરવા સહિતની કાયદાકીય કડક કાર્યવાહી હાથ ધરાશે. જેથી તમામ વાહન ચાલકોને વિનંતી છે કે સમયસર ઈ-ચલણ ભરી દેવું.

Back to top button
error: Content is protected !!