કાલોલમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા પાલિકાએ બસ સ્ટેન્ડથી ભાથીજી મંદિર સુધીના લારી-ગલ્લાઓને આપી આખરી નોટિસ.

તારીખ ૨૦/૦૮/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરપાલિકા દ્વારા આજે શહેરમાં માઇક સાથે રિક્ષા ફેરવીને જાહેર નોટિસ આપવામાં આવી છે. નગરપાલિકા તંત્ર દ્વારા નવા બસ સ્ટેશન ગેટથી લઈને ભાથીજી મંદિર સુધીના મુખ્ય માર્ગ પર ટ્રાફિકને ભારે અવરોધરૂપ અને જાહેર જનતા માટે અડચણરૂપ બને તે રીતે રસ્તાની વચ્ચે શાકભાજી તથા ફળોની લારીઓ ઉભી રાખતા વેપારીઓને કડક ચેતવણી આપવામાં આવી છે.તંત્ર દ્વારા સ્પષ્ટ જણાવાયું છે કે જો હવે પછી કોઈ પણ લારી ધારક રોડ પર કે રસ્તાની વચ્ચે ઉભેલો જોવા મળશે, તો નગરપાલિકા પોલીસ કાફલાને સાથે રાખીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરશે. આ ઉપરાંત, નિયમભંગ કરનારની લારી સહિત તમામ માલ-સામાન પણ જપ્ત કરવામાં આવશે. જેથી કરીને આ વ્યસ્ત માર્ગ પર કોઈ પણ લારી ધારક પોતાના વાહન કે લારી ઉભા ન રાખે.
ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં અગાઉ પણ વારંવાર પોલીસ અને પાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી છે, પરંતુ કાર્યવાહી પૂર્ણ થતાં જ બીજા જ દિવસે પરિસ્થિતિ ફરી ‘જેસે થે’ બની જતી હોય છે. ત્યારે હવે નગરપાલિકાની આ આક્રમક કાર્યવાહીથી કાલોલની જનતાને ટ્રાફિક સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે કે પછી આ ઝુંબેશ પણ માત્ર થોડા દિવસો પૂરતી જ સીમિત રહેશે, તે તો આવનારો સમય જ બતાવશે.







