સાગબારામાં 600થી વધુ વિદ્યાર્થીઓને કારકિર્દીની નવી તકો અને સફળતાના માર્ગે આગળ વધવા મળ્યું માર્ગદર્શન
ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ બન્યા પ્રેરણાસ્ત્રોત : સરકારી સેવામાં પહોંચેલા અધિકારીઓએ પોતાની સફળતાની સફર અને તૈયારીના અનુભવો વિદ્યાર્થીઓ સાથે વહેંચ્યા

સાગબારામાં 600થી વધુ વિદ્યાર્થીઓને કારકિર્દીની નવી તકો અને સફળતાના માર્ગે આગળ વધવા મળ્યું માર્ગદર્શન
વાત્સલ્યમ સમાચાર
પ્રતિનિધિ : જેસિંગ વસાવા
ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ બન્યા પ્રેરણાસ્ત્રોત : સરકારી સેવામાં પહોંચેલા અધિકારીઓએ પોતાની સફળતાની સફર અને તૈયારીના અનુભવો વિદ્યાર્થીઓ સાથે વહેંચ્યા
આકાંક્ષી નર્મદા જિલ્લામાં શિક્ષણ સાથે કારકિર્દી ઘડતર પર જિલ્લા વહીવટી તંત્રનો વિશેષ ભાર
રાજપીપળા, શુક્રવાર: “સપનું જોવું મહત્વનું છે, પરંતુ તેને સાકાર કરવા માટે સાચી દિશા, યોગ્ય માર્ગદર્શન અને સતત મહેનત જરૂરી છે.” આ વિચારને સાકાર કરવાની દિશામાં નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ માટે વધુ એક પ્રેરણાદાયી પહેલ હાથ ધરવામાં આવી છે.
નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંઘના માર્ગદર્શન હેઠળ શ્રી નવરચના હાઈસ્કૂલ, સાગબારા ખાતે 600થી વધુ વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા શિક્ષણ વિભાગ અને રોજગાર વિનિમય કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ સેમિનારમાં વિદ્યાર્થીઓને વિવિધ કારકિર્દી વિકલ્પો, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા ઉચ્ચ શિક્ષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ધોરણ-10 પછીનો નિર્ણય ભવિષ્યની દિશા નક્કી કરે છે
સેમિનારમાં પ્રાઈડ કેરિયર એકેડેમી, સુરતના જગદીશભાઈ બરવાળીયા દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, અભ્યાસક્રમ, પરીક્ષા પદ્ધતિ, લાયકાત તથા વિવિધ ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત અંગે સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ધોરણ-10 પછી કયો પ્રવાહ પસંદ કરવો, ધોરણ-12 બાદ કયા અભ્યાસક્રમો અને ક્ષેત્રોમાં આગળ વધી શકાય, સરકારી નોકરી માટે કઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી શકાય તથા તેની તૈયારી કઈ રીતે કરવી તે અંગે વિદ્યાર્થીઓને વ્યવહારુ માહિતી આપવામાં આવી હતી.
સફળ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ બન્યા પ્રેરણાસ્ત્રોત
સેમિનારની વિશેષ બાબત એ રહી કે નવરચના હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, જેઓ આજે સરકારના વિવિધ વિભાગોમાં સેવા આપી રહ્યા છે, તેઓ પોતાની જ શાળાના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા ઉપસ્થિત રહ્યા હતા.
અધ્યાપક ડૉ. નરેન્દ્રભાઈ વસાવા, માર્ગ અને મકાન વિભાગ-ભરૂચના ઈજનેર ભગતસિંહ વસાવા, મેડિકલ ઓફિસર ડૉ. શારદાબેન વસાવા, પોલીસ સબ ઈન્સ્પેક્ટર રંજીતાબેન વસાવા અને શિક્ષક શાંતુભાઈ વસાવા સહિતના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાની સફળતાની સફર, સંઘર્ષ, અભ્યાસ અને પરીક્ષાની તૈયારીના અનુભવો વિદ્યાર્થીઓ સાથે વહેંચ્યા હતા.
તેમણે GSET/UGC-NET, વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગની પરીક્ષાઓ સહિતની કારકિર્દી તકો અંગે માર્ગદર્શન આપ્યું હતું. સમયનું આયોજન, સતત અભ્યાસ અને પોતાની રુચિ તથા ક્ષમતા અનુસાર કારકિર્દીની પસંદગી અંગે પણ વિદ્યાર્થીઓને મહત્વપૂર્ણ સૂચનો આપવામાં આવ્યા હતા.
આદિવાસી પ્રતિભાને યોગ્ય તક મળે તો સફળતાની કોઈ સીમા નથી
નર્મદા જિલ્લો આદિવાસી બહુલ અને આકાંક્ષી જિલ્લો છે. જિલ્લાના વિદ્યાર્થીઓમાં પ્રતિભા અને મહેનતની કોઈ કમી નથી. યોગ્ય સમયે યોગ્ય માહિતી, માર્ગદર્શન અને તકો મળે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શિક્ષણની સાથે કારકિર્દી ઘડતર પર પણ વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
આ સેમિનાર દ્વારા સરકારી ક્ષેત્રની વિવિધ પરીક્ષાઓથી માંડીને ઉચ્ચ શિક્ષણ અને વિશિષ્ટ કારકિર્દી ક્ષેત્રો સુધીની માહિતી વિદ્યાર્થીઓને એક જ સ્થળે મળી હતી. જેના પરિણામે વિદ્યાર્થીઓને પોતાના ભવિષ્ય અંગે વધુ સ્પષ્ટતા પ્રાપ્ત થઈ હતી.
600થી વધુ વિદ્યાર્થીઓને મળ્યું માર્ગદર્શનનું બળ
સાગબારા તાલુકાની વિવિધ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાંથી 600થી વધુ વિદ્યાર્થીઓ સેમિનારમાં જોડાયા હતા. માર્ગદર્શન સત્ર દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પ્રશ્નો પૂછ્યા અને નિષ્ણાતો તથા સફળ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પાસેથી કારકિર્દી અંગે જરૂરી માહિતી મેળવી હતી.
વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે કારકિર્દી અંગે રહેલી મૂંઝવણ દૂર કરવામાં આ સેમિનાર ઉપયોગી સાબિત થયો છે. વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, અભ્યાસક્રમો અને કારકિર્દીના વિકલ્પો અંગે મહત્વપૂર્ણ માહિતી મળવાથી ભવિષ્યમાં ચોક્કસ દિશામાં આગળ વધવા માટે પ્રેરણા મળી છે.
વિદ્યાર્થીઓએ આવનારા સમયમાં પણ આવા કારકિર્દી માર્ગદર્શન સેમિનારોનું નિયમિત આયોજન કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી.
‘આકાંક્ષી નર્મદા’ના યુવા સપનાઓને નવી ઉડાન
આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓના સપનાઓને ઓળખી તેમને યોગ્ય દિશા આપવી એ જિલ્લાના સર્વાંગી વિકાસ સાથે જોડાયેલું મહત્વપૂર્ણ કાર્ય છે. શિક્ષણની સાથે કારકિર્દી ઘડતર પર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી રહેલું ધ્યાન નર્મદાના યુવા ભવિષ્યને વધુ સક્ષમ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું બની રહ્યું છે.
સાગબારામાં યોજાયેલો આ કારકિર્દી માર્ગદર્શન સેમિનાર આદિવાસી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ જગાવનાર અને ‘આકાંક્ષી નર્મદા’ના યુવા સપનાઓને સફળતાની દિશામાં આગળ ધપાવનાર સરાહનીય પહેલ બની રહ્યો છે.




