ભાવનગર લઠ્ઠાકાંડના પડઘા વાવ-થરાદમાં કોંગ્રેસના ધરણા, ગૃહમંત્રીના રાજીનામાની માંગ…

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
ગુજરાતમાં વધતી લઠ્ઠાકાંડની ઘટનાઓ અને ગેરકાયદેસર દારૂના વેપારના વિરોધમાં વાવ-થરાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા થરાદ કલેક્ટર કચેરી સામે ધરણા-પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ભાવનગર લઠ્ઠાકાંડમાં થયેલા મોતને લઈને કોંગ્રેસે સરકાર તથા પોલીસ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવી જવાબદારી નક્કી કરવાની માંગ કરી હતી. વાવ-થરાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતના નેતૃત્વમાં યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ સરકાર સામે સૂત્રોચ્ચાર કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂનું વેચાણ અને હેરાફેરી અનેક વિસ્તારોમાં ચાલી રહી છે અને તેને રોકવામાં સરકાર તથા પોલીસ તંત્ર નિષ્ફળ રહ્યું છે. કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર રહી ગઈ છે. લઠ્ઠાકાંડ જેવી ગંભીર ઘટનાઓ સર્જાયા બાદ થોડા સમય માટે પોલીસ કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ ગેરકાયદેસર દારૂના ધંધાને કાયમી ધોરણે બંધ કરાવવા માટે અસરકારક પગલાં લેવામાં આવતા નથી. ભાવનગર લઠ્ઠાકાંડનો ઉલ્લેખ કરતાં કોંગ્રેસે ઘટનામાં થયેલા મોત માટે જવાબદારી નક્કી કરવાની માંગ કરી હતી. સાથે જ સમગ્ર મામલે સરકાર અને ગૃહ વિભાગની જવાબદારી નક્કી કરી ગૃહમંત્રીના રાજીનામાની માંગ ઉઠાવવામાં આવી હતી. કોંગ્રેસે ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરાવવા, ગેરકાયદેસર દારૂના વેચાણ અને હેરાફેરી સામે કડક કાર્યવાહી કરવા તથા લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે કાયમી અને અસરકારક વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી હતી. ધરણા-પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કેટલાક કાર્યકરો રસ્તા પર બેસી ગયા હતા અને રસ્તો રોકી સરકાર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જેના પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને કેટલાક કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન સમગ્ર મામલો થોડા સમય માટે ચર્ચાનો વિષય બન્યો હતો.





