
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
મુંદરામાં એઇડ્સ મુક્ત સમાજ માટે લોકજાગૃતિ અને લોકભાગીદારીના મહાઅભિયાનની શરૂઆત
મુંદરાની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓને એઇડ્સ જાગૃતિ અને વ્યસનમુક્તિના શપથ લેવડાવાયા
“મોબિલાઇઝેશન ફોર એઇડ્સ સુરક્ષા અને યુવાનોની ભૂમિકા” વિષયક વક્તૃત્વ સ્પર્ધામાં યુવાનોએ રજૂ કર્યા મૌલિક વિચારો
મુંદરા, તા. ૨૧: મુંદરાની શેઠ આર. ડી. એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કેનિયા એન્ડ એન્કરવાલા તથા શ્રીમતી ચંદનબેન હાથીભાઈ શાહ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સ્થાપિત ગુજરાત રાજ્ય એઇડ્સ નિયંત્રણ સોસાયટી તથા ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ “ઇન્ટેન્સિફાઇડ આઇ.ઇ.સી. કેમ્પેઇન-૨૦૨૬” અંતર્ગત એઇડ્સ જાગૃતિ, વ્યસનમુક્તિ અને આરોગ્ય અંગેનો વિશેષ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ એઇડ્સ અંગેની સાચી માહિતી મેળવી હતી તેમજ સ્વસ્થ અને વ્યસનમુક્ત જીવન જીવવાનો સંકલ્પ કર્યો હતો.
કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયા તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમના દિશાનિર્દેશ હેઠળ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભંડેરી તથા જિલ્લા એઇડ્સ/એચ.આઈ.વી. નિયંત્રણ અધિકારી ડો. મનોજકુમાર દવેના માર્ગદર્શન અનુસાર સમગ્ર કચ્છ જિલ્લામાં તા. ૧૨ ઓગસ્ટ ૨૦૨૬થી ૧૨ ઓક્ટોબર ૨૦૨૬ સુધી બે મહિના માટે સઘન જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ એચ.આઈ.વી./એઇડ્સ અંગે સમાજમાં રહેલી ગેરમાન્યતાઓ દૂર કરવી, લોકોમાં સાચી અને વૈજ્ઞાનિક માહિતી પહોંચાડવી, ભેદભાવમુક્ત વલણ કેળવવું તેમજ યુવાનોને જાગૃતિના દૂત તરીકે જોડવાનો છે. આ અભિયાનના ભાગરૂપે મુંદરા કોલેજ ખાતે વિવિધ જાગૃતિપ્રેરક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
વક્તૃત્વ સ્પર્ધામાં યુવાનોના મૌલિક વિચારો
કાર્યક્રમ દરમિયાન “મોબિલાઇઝેશન ફોર એઇડ્સ સુરક્ષા અને યુવાનોની ભૂમિકા” વિષય પર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પોતાના વક્તવ્યોમાં એચ.આઈ.વી./એઇડ્સથી બચવાના ઉપાયો, વહેલી તકે તપાસ અને યોગ્ય માર્ગદર્શનનું મહત્વ, સમાજમાં પ્રચલિત ગેરમાન્યતાઓ દૂર કરવાની જરૂરિયાત તથા એચ.આઈ.વી. સાથે જીવતા લોકો પ્રત્યે માનવીય અને ભેદભાવમુક્ત અભિગમ રાખવાની જરૂરિયાત અંગે મૌલિક વિચારો રજૂ કર્યા હતા.
વિદ્યાર્થીઓએ ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું કે એચ.આઈ.વી.થી સંક્રમિત વ્યક્તિ સાથે બેસવાથી, હાથ મિલાવવાથી, સાથે જમવાથી કે સામાન્ય સામાજિક સંપર્કથી એચ.આઈ.વી. ફેલાતો નથી. તેથી ભય અને અફવાઓના બદલે સાચી માહિતી અને વૈજ્ઞાનિક સમજણ સાથે સમાજમાં જાગૃતિ ફેલાવવી જરૂરી છે. યુવાનો સોશિયલ મીડિયા, શૈક્ષણિક સંસ્થાઓ તથા વિવિધ જનજાગૃતિ પ્રવૃત્તિઓના માધ્યમથી એઇડ્સ અંગે સાચી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકે છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ આરોગ્ય વિષયો અંગે માર્ગદર્શન
કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ આરોગ્યલક્ષી વિષયો અંગે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલુકા હેલ્થ સુપરવાઈઝર ઝવેરભાઈ નાથાણી દ્વારા “આહારથી આરોગ્ય”ની સંકલ્પના સમજાવી સંતુલિત અને પૌષ્ટિક આહારના મહત્વ અંગે માહિતી આપવામાં આવી હતી. સાથે જ આયુષ્માન ભારત યોજના અંગે પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તાલુકા ટેક્નિકલ સુપરવાઈઝર પૃથ્વીરાજ રાજપૂત દ્વારા ચોમાસાની ઋતુ દરમિયાન જોવા મળતા વાહકજન્ય રોગો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાથી બચવા માટે જરૂરી સાવચેતી અને પ્રતિબંધાત્મક પગલાં અંગે સમજ આપવામાં આવી હતી. ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહેવા દેવું, મચ્છરોના ઉપદ્રવને અટકાવવો અને તાવ સહિતના લક્ષણો જણાય ત્યારે સમયસર આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જેવા મુદ્દાઓ અંગે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઈઝર પ્રકાશભાઈ ઠક્કર દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનમુક્તિની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. તેમણે નશાકારક પદાર્થોથી દૂર રહી તંદુરસ્ત અને રોગમુક્ત જીવન જીવવા અપીલ કરી હતી. તેમજ વાહકજન્ય રોગોથી રક્ષણ મેળવવા માટે મચ્છરદાનીના ઉપયોગ સહિતની સાવચેતી રાખવા અને પોતાના પરિવાર તથા સમાજમાં આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવા વિદ્યાર્થીઓને આહ્વાન કર્યું હતું.
એઇડ્સ સુરક્ષા અને વ્યસનમુક્તિનો સામૂહિક સંકલ્પ
કાર્યક્રમ દરમિયાન કોલેજના વિદ્યાર્થીઓએ એઇડ્સ સુરક્ષા અને વ્યસનમુક્તિ અંગે સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. વિદ્યાર્થીઓએ જીવનમાં નશાકારક પદાર્થોથી દૂર રહેવા, એચ.આઈ.વી./એઇડ્સ અંગેની અફવાઓ અને ગેરમાન્યતાઓથી દૂર રહી અન્ય લોકોને પણ સાચી માહિતી આપવા તેમજ એચ.આઈ.વી. સાથે જીવતા વ્યક્તિઓ પ્રત્યે કોઈપણ પ્રકારનો ભેદભાવ ન રાખવાનો સંકલ્પ કર્યો હતો.
આ પ્રસંગે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું કે એઇડ્સ સામેની લડાઈ માત્ર આરોગ્ય વિભાગ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેમાં સમગ્ર સમાજની સહભાગીતા જરૂરી છે. ખાસ કરીને યુવાનોમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, જવાબદારી અને સામાજિક સંવેદનશીલતા વિકસે તે માટે આવા જાગૃતિ કાર્યક્રમો મહત્વપૂર્ણ બની રહે છે.
નાટક દ્વારા વ્યસનમુક્તિનો સંદેશ
કાર્યક્રમ દરમિયાન કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વ્યસનમુક્તિ વિષયક નાટક રજૂ કરવામાં આવ્યું હતું. નાટકના માધ્યમથી વ્યસનના વ્યક્તિગત જીવન, પરિવાર અને સમાજ પર પડતા નકારાત્મક પ્રભાવ અંગે અસરકારક સંદેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓની અભિનય રજૂઆતને ઉપસ્થિતોએ બિરદાવી હતી અને વ્યસનમુક્ત સમાજના નિર્માણ માટે યુવાનોની ભૂમિકા અંગે સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો હતો.
વિદ્યાર્થીઓને પ્રોત્સાહન
વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓમાં જાગૃતિ સાથે સર્જનાત્મકતા અને જાહેર વક્તૃત્વની કળાને પ્રોત્સાહન મળે તે હેતુથી યોજાયેલી આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ સમગ્ર કાર્યક્રમ કોલેજના આદરણીય પ્રિન્સિપાલ ડો. દીપકભાઈ ખરાડીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો. કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના અધ્યાપકગણ તથા વિદ્યાર્થીઓનો મહત્વપૂર્ણ સહયોગ મળ્યો હતો.
કાર્યક્રમના સમગ્ર આયોજન અને સંકલનમાં આઈ.સી.ટી.સી.ના કાઉન્સેલર રૂબીનાબેન કેવર તથા લેબ ટેકનિશિયન નિકીબેન જોશીએ ઉત્સાહપૂર્વક કામગીરી કરી હતી. આરોગ્ય વિભાગ અને કોલેજના સંયુક્ત પ્રયાસોથી યોજાયેલા આ કાર્યક્રમ થકી વિદ્યાર્થીઓમાં એચ.આઈ.વી./એઇડ્સ અંગેની વૈજ્ઞાનિક સમજણ, વ્યસનમુક્તિ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને આરોગ્યપ્રદ જીવનશૈલી અંગે જાગૃતિ વધારવામાં મહત્વપૂર્ણ ફાળો મળ્યો હતો.
એઇડ્સ મુક્ત અને વ્યસનમુક્ત સમાજના નિર્માણ માટે યુવાનોની સક્રિય ભાગીદારી, સાચી માહિતીનો પ્રસાર અને સમાજમાં ભેદભાવમુક્ત વલણ કેળવવું સમયની મહત્વપૂર્ણ જરૂરિયાત છે, તેવો સંદેશ કાર્યક્રમના માધ્યમથી આપવામાં આવ્યો હતો.




















વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




