
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં ઓગસ્ટ મહિનામાં સતત ત્રણ વખત ભૂકંપનાં આંચકા અનુભવાતા સ્થાનિકો સહિત પ્રવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો મહારાષ્ટ્રનાં નાસિક જિલ્લામાં ભૂકંપનું એપિક સેન્ટર હોય જેથી સાપુતારા વિસ્તારમાં વારંવાર ધરા ધ્રુજી રહી છે.ડાંગ જિલ્લાના પ્રખ્યાત ગિરિમથક સાપુતારા અને તેની આસપાસના સરહદી વિસ્તારોમાં આજે ૨૧-૦૮-૨૦૨૬નાં બપોરનાં અરસામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. મહારાષ્ટ્રના નાસિક સરહદી વિસ્તારને સ્પર્શતા આ પ્રદેશમાં અનુભવાયેલા આ ભૂકંપની તીવ્રતા રિએક્ટર સ્કેલ પર ૩.૩ નોંધાઈ છે, જેના કારણે સ્થાનિક રહીશો અને પ્રવાસીઓમાં ક્ષણભર માટે ભયનો માહોલ સર્જાયો હતો.ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રની સત્તાવાર માહિતી અનુસાર, આ આંચકો આજરોજ ૨૧ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ બપોરે ૨:૪૫:૩૨ વાગ્યે (IST) નોંધાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અક્ષાંશ ૨૦.૪૪૨ (Lat) અને રેખાંશ ૭૩.૭૦૨ (Long) પર પૃથ્વીની સપાટીથી માત્ર ૫ કિલોમીટરની ઊંડાઈએ (Depth) નોંધાયું હતું. ભૌગોલિક રીતે આ કેન્દ્રબિંદુ નાસિક (મહારાષ્ટ્ર) વિસ્તારમાં આવતુ હોવા છતાં, ડાંગ જિલ્લાના સાપુતારા અને સરહદી ગામડાઓમાં તેની સ્પષ્ટ અસર જોવા મળી હતી.ધરતીકંપનો આંચકો હળવો હોવાના કારણે કોઈ જાનમાલના નુકસાન કે મોટા પાયે હોનારતના સમાચાર મળ્યા નથી.જોકે, બપોરના સમયે અચાનક ધરતી ધ્રૂજી ઊઠતા સાપુતારા ખાતે આવેલા પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકો ઘર અને હોટલોમાંથી બહાર નીકળી આવ્યા હતા.ડાંગ જિલ્લા તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને અફવાઓથી દૂર રહેવા તથા શાંતિ જાળવી રાખવા અપીલ કરવામાં આવી છે..





