
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
ટીંટોઈ – રાજલી ગામની સીમમાં ઝાડી-ઝાંખરામાં ગેરકાયદેસર રીતે દેશી દારૂ બનાવતી ભઠ્ઠી ઝડપાઈ, એક શખ્સ ઝડપાયો
અરવલ્લી જિલ્લાના રાજલી ગામની સીમમાં તળાવની પાળ નજીક ઝાડી-ઝાંખરામાં ગેરકાયદેસર રીતે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવાતી હોવાનો પર્દાફાશ થયો છે. ટીંટોઈ પોલીસની પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે દરોડો પાડી એક શખ્સને ઝડપી પાડ્યો હતો.પોલીસના જણાવ્યા મુજબ, રાજલી ગામના કિરણસિંહ રજુસિંહ પરમાર (ઉં.વ. 49) સ્થળ પર દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પાસે મળી આવ્યો હતો. પોલીસે પંચોની હાજરીમાં તપાસ કરતાં માટીના ચુલા ઉપર એલ્યુમિનિયમનું ડેસ્કુ ગોઠવેલું હતું અને તેમાં મહુડાનો વોશ ઉકાળવામાં આવતો હોવાનું જણાયું હતું.ભઠ્ઠીમાંથી તૈયાર થયેલો આશરે 2 લીટર દેશી દારૂ, જેની કિંમત ₹400, તેમજ આશરે 10 લીટર મહુડાનો વોશ મળી આવ્યો હતો. આ ઉપરાંત દેશી દારૂ બનાવવામાં ઉપયોગમાં લેવાતા એલ્યુમિનિયમના ડેસ્કુ, સ્ટીલની થાળી અને પ્લાસ્ટિકની નળી સહિતના સાધનો પણ પોલીસે કબજે કર્યા હતા. કુલ મુદ્દામાલની કિંમત ₹ 500 હોવાનું ફરિયાદમાં નોંધાયું છે.પોલીસે સ્થળ પરથી દેશી દારૂ અને મહુડાના વોશના સેમ્પલ લઈ સીલ કરી તપાસ અર્થે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી સામે પ્રોહિબિશન કાયદા હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. ઘટનાની વધુ તપાસ ટીંટોઈ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.





