AHAVADANGGUJARAT

નશામુક્ત ગુજરાત,ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત’નાં નારા સાથે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિનું આહવામાં વિરોધ પ્રદર્શન..

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ગુજરાત રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર,ડ્રગ્સ-ઝેરી દારૂના કારોબાર સામે સરકારની આંખે પાટા:-ડાંગ કોંગ્રેસનો આક્ષેપ..

ગાંધી અને સરદારના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂ, ડ્રગ્સ અને નશીલા પદાર્થોનો કારોબાર બેરોકટોક ચાલી રહ્યો હોવાના આક્ષેપ સાથે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આહવા ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતુ.‘નશામુક્ત ગુજરાત, ભ્રષ્ટાચારમુક્ત ગુજરાત’નાં નારા સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસનાં હોદ્દેદારો, કાર્યકરો અને સ્થાનિક નાગરિકોએ એકત્ર થઈ સરકારની નીતિઓ સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ કાર્યકરોએ શાસક પક્ષ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી સરકારને નશાના કારોબાર અને ભ્રષ્ટાચાર સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની પડકારભરી માંગ કરી હતી.ત્યારબાદ વિવિધ મુદ્દાઓને આવરી લેતુ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ.ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિએ આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર સીમિત રહી ગયો છે. રાજ્યમાં વારંવાર લઠ્ઠાકાંડ જેવી ગંભીર ઘટનાઓ સામે આવતી હોવા છતાં ગેરકાયદેસર દારૂના નેટવર્ક સામે કડક અને કાયમી કાર્યવાહી થતી નથી. ડ્રગ્સ તથા નકલી અને ઝેરી દારૂના કારણે યુવાધનનું ભવિષ્ય જોખમાઈ રહ્યું છે ત્યારે સરકાર માત્ર દાવાઓ કરવામાં વ્યસ્ત હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો.ડાંગ કોંગ્રેસે માંગ કરી હતી કે દારૂબંધીના કાયદાનો કડક અમલ કરવામાં આવે અને ડ્રગ્સ, નકલી દારૂ તથા અન્ય નશીલા પદાર્થોના ગેરકાયદેસર નેટવર્કને મૂળમાંથી નાબૂદ કરવામાં આવે.નશાના કારોબાર સાથે સંકળાયેલા તત્વો સામે કોઈપણ પ્રકારની શેહશરમ રાખ્યા વિના કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠાવવામાં આવી હતી.સાથે સરકારી યોજનાઓ અને વિકાસકાર્યોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો અંગે કોંગ્રેસે સરકારને ઘેરતા જણાવ્યું હતું કે પ્રજાના વિકાસ માટે ફાળવવામાં આવતા નાણાંનો યોગ્ય ઉપયોગ થાય તે સરકારની જવાબદારી છે. સરકારી યોજનાઓ અને વિકાસકાર્યોમાં થતા ભ્રષ્ટાચારની સ્વતંત્ર, નિષ્પક્ષ અને ઉચ્ચસ્તરીય તપાસ કરાવી જવાબદાર અધિકારીઓ તથા સંકળાયેલા લોકો સામે દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.ડાંગના આદિવાસી વિસ્તારમાં નશાના કારોબાર સામે કડક પગલાની માંગ કરી હતી.આ પ્રસંગે ડાંગ કોંગ્રેસનાં આગેવાનોએ જણાવ્યું હતું કે ડાંગ તેની પ્રાકૃતિક સુંદરતા અને શાંતિ માટે ઓળખાય છે. આવા આદિવાસી વિસ્તારમાં નશીલા પદાર્થો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું વધતું જોખમ ગંભીર બાબત છે. પોલીસ પ્રશાસન દ્વારા સઘન પેટ્રોલિંગ, વાહન ચેકિંગ અને અસરકારક તપાસ અભિયાન હાથ ધરી નશાના કારોબારને ડામવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.જેમાં લઠ્ઠાકાંડ અને નશાના દૂષણથી અસરગ્રસ્ત પરિવારોને યોગ્ય સહાય, ન્યાય અને સુરક્ષા મળે તે માટે પણ કોંગ્રેસે સરકાર સમક્ષ રજૂઆત કરી હતી.આ પ્રસંગે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિત ઉપસ્થિત આગેવાનોએ સરકારને ચેતવણીના સૂરમાં જણાવ્યું હતું કે, “પ્રજાના જીવન અને યુવાધન સાથે ચેડા કરતી નશાની પ્રવૃત્તિઓ તેમજ ભ્રષ્ટાચાર સામે કોંગ્રેસ ચૂપ બેસશે નહીં. ગુજરાતને ખરા અર્થમાં નશામુક્ત અને ભ્રષ્ટાચારમુક્ત બનાવવાની લડત કોંગ્રેસ દ્વારા સતત ચાલુ રાખવામાં આવશે.”કોંગ્રેસે સ્પષ્ટ કર્યું હતું કે પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી સરકાર સામે લોકશાહી ઢબે વિરોધ અને આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે..

Back to top button
error: Content is protected !!