
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી ટ્રાફિક પોલીસની કાર્યવાહી : જુલાઈ સુધીમાં હજારો વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી
મોડાસા : અરવલ્લી જિલ્લામાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુચારૂ બને અને વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે જિલ્લા પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લા ટ્રાફિક શાખા મોડાસા તથા નેત્રમ શાખા દ્વારા વર્ષ ૨૦૨૬માં જુલાઈ માસ સુધી ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો સામે મોટી સંખ્યામાં કેસ કરી દંડ વસૂલવામાં આવ્યો છે.
ટ્રાફિક શાખાની કામગીરીમાં સૌથી વધુ હેલ્મેટ વગર વાહન ચલાવવાના 4,285 કેસ નોંધાયા છે, જેમાં ₹ 4,99,000નો દંડ વસૂલવામાં આવ્યો છે. જ્યારે સીટબેલ્ટના 1,220 કેસમાં ₹8,88,000, ઓવર સ્પીડના 1,400 કેસ, સેલફોનનો ઉપયોગ કરતા વાહનચાલકો સામે 252 કેસમાં ₹ 2,09,500 તથા રોંગ સાઇડ ડ્રાઇવિંગના 210 કેસમાં ₹ 8,15,000નો દંડ વસૂલાયો છે.
આ ઉપરાંત PUC વગરના વાહનો સામે 1,020 કેસમાં ₹ 1,16,500, બ્લેક ફિલ્મ અંગે 1,016 કેસમાં ₹ 3,09,000, નંબર પ્લેટના નિયમોના ભંગ બદલ 247 કેસમાં ₹67,000, નો-પાર્કિંગના 76 કેસમાં ₹ 28,000 તથા વીમા વગરના વાહનો સામે 276 કેસ કરવામાં આવ્યા છે.ટ્રાફિક નિયમોના ભંગ બદલ ફૂટબોર્ડ પેસેન્જરના 57 કેસ, વધુ પેસેન્જરના 186 કેસ, ત્રણ સવારીના 326 કેસ, દસ્તાવેજ વગરના 90 કેસ અને જોખમી સવારીના 34 કેસ પણ કરવામાં આવ્યા છે.
પોલીસ દ્વારા M.V. Act 207, BNS 285, BNS 281 તથા M.V. Act 185 હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો સામેની કાર્યવાહીથી નિયમોનું પાલન વધે અને માર્ગ અકસ્માતોમાં ઘટાડો થાય તેવો પોલીસનો મુખ્ય હેતુ છે.
અરવલ્લી ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકોને હેલ્મેટ અને સીટબેલ્ટનો ફરજિયાત ઉપયોગ કરવા, ઓવર સ્પીડ ટાળવા, મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવા તેમજ ટ્રાફિકના અન્ય નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.





