GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

મંત્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ગણદેવી ખાતે ૭૭ મો વન મહોત્સવ યોજાયો,વૃક્ષારોપણ અને સંવર્ધનનો સંકલ્પ

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકા ખાતે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ‘એક પેડ માં કે નામ 3.0’ અભિયાન અંતર્ગત ૭૭ માં જિલ્લા કક્ષાનો વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શ્રી એલ.એમ. નાયક અનાવિલ સાંસ્કૃતિક ભવન, વિશ્રામગૃહની સામે, ગણદેવી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર ઉદ્યોગ અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નિરાલીબેન નાયક, નવસારીના ધારાસભ્યશ્રી રાકેશભાઈ  દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

      આ પ્રસંગે મંત્રીશ્રી નરેશભાઈ પટેલે પોતાના સંબોધનમાં વૃક્ષો અને પાણી વચ્ચેના અનન્ય સંબંધ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, માનવજીવનના અસ્તિત્વ અને સુખાકારી માટે વૃક્ષો અને પાણી  જતન કરવામાં આવે તો જળસંચય અને પર્યાવરણનું સંતુલન જાળવી શકાય છે. ગણદેવી તાલુકો તેમજ સમગ્ર નવસારી જિલ્લો વૃક્ષોની સમૃદ્ધિ અને હરિયાળી માટે સમગ્ર રાજ્યમાં આગવી ઓળખ ધરાવે છે.

      મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, હાલના સમયમાં ક્લાયમેટ ચેન્જની અસરો સમગ્ર વિશ્વ સામે મોટો પડકાર બની રહી છે ત્યારે પર્યાવરણનું સંરક્ષણ એ આપણી સામૂહિક જવાબદારી છે. આવનારી પેઢીને સ્વચ્છ, સ્વસ્થ અને હરિયાળું વાતાવરણ મળી રહે તે માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા સાથે વાવેલા વૃક્ષોની જાળવણી અને સંવર્ધન પર પણ એટલું જ ધ્યાન આપવું જરૂરી છે.

      મંત્રીશ્રીએ ‘એક પેડ માં કે નામ’ અભિયાનને જનઆંદોલનનું સ્વરૂપ આપવા તથા સમાજના દરેક વર્ગને વૃક્ષારોપણ સાથે જોડાવા આહ્વાન કર્યું હતું. માત્ર વૃક્ષો વાવવાથી નહીં, પરંતુ તેની નિયમિત કાળજી અને જાળવણીથી જ વાસ્તવિક હરિયાળીનું નિર્માણ શક્ય બનશે તેમ તેમણે ઉમેર્યું હતું.

      મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વન વિભાગના અધિકારીઓ, સામાજિક વનીકરણ વિભાગ, સ્વૈચ્છિક સંસ્થાઓ તથા પર્યાવરણપ્રેમી નાગરિકો દ્વારા પર્યાવરણ સંરક્ષણ માટે કરવામાં આવી રહેલી કામગીરીને બિરદાવી સૌને સાથે મળીને આવનારી પેઢી માટે વધુ હરિયાળું અને સ્વચ્છ વાતાવરણ ઊભું કરવાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો.

     આ પ્રસંગે વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણની કામગીરીમાં યોગદાન આપનારાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વિવિધ લાભાર્થીઓને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ વન અને પર્યાવરણ સંરક્ષણની કામગીરીમાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ તથા સ્ટાફના સભ્યોને પણ પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ગામમાં વૃક્ષારોપણ અને પર્યાવરણ સંવર્ધન માટે નોંધપાત્ર કામગીરી કરનાર સરપંચશ્રીઓને પણ પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન દ્વારા વૃક્ષારોપણની સાથે તેના જતન અને સંવર્ધન માટે જનભાગીદારીને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

        મંત્રી શ્રી નરેશભાઈ પટેલ અને મહાનુભાવો ના હસ્તે વૃક્ષ રથ ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

        કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને પર્યાવરણ સંરક્ષણ તથા વૃક્ષોના સંવર્ધન માટે જનભાગીદારી વધારવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

       નવસારી જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાની, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કાર્તિક જિવાણી, ડાંગ દક્ષિણ વન વિભાગના નાયબ વન સંરક્ષકશ્રી નિરજકુમાર (IFS), નવસારી ના નાયબ વન સરંક્ષકશ્રી ઉર્વશીબેન,વન વિભાગના અધિકારીશ્રીઓ, સ્થાનિક આગેવાનો, સ્વૈચ્છિક સંસ્થાઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!